મહેસાણામાં તંત્રની નફ્ફટાઈ, પવન આવતો હોય તો પંખાની શી જરૂર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એસટી ડેપોમાં કાળઝાળ ગરમીમાં હાલાકી ભોગવી રહેલા મુસાફરો માટે પંખા લગાવવા અંગે બે માસ પૂર્વે બે દિવસમાં પંખા લગાવી દેવાનાં બણગાં ફૂંક્યા બાદ ડેપ્યૂટી એન્જિનિયર હવે શેડ ઊંચો હોઈ અહીં પંખાની જરૂર ન હોવાનું કહી રહ્યા છે. અને નવા બનેલા યુપીવીસી શેડ નીચે મધ્યસ્થ કચેરીની મંજૂરી બાદ પંખા લગાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવી રહ્યા છે. -બે દિવસમાં પંખા લગાવી દઇશું કહેનાર તંત્ર હવે નફ્ફટાઇપૂર્વક કહે છે -મહેસાણા એસટી ડેપોમાં બે માસ પૂર્વે ડેપ્યૂટી એન્જિનિયરે બે દિવસમાં પંખા લગાવી દેવાની શેખી મારી હતી ઉ.ગુ.ના મુખ્ય જંક્શન એવા મહેસાણાના એસટી ડેપોમાં મુસાફરોને ગરમીના દિવસોમાં પરેસેવે રેબઝેબ થઈને જ સમય પસાર કરવો પડે છે. આખા શેડમાં મુસાફરો માટે એક પણ પંખો મૂકાયો ન હોવા બાબતે બે માસ પૂર્વે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો ત્યારે ડેપ્યૂટી એન્જિનિયર ઓ.જી.દવેએ બે દિવસમાં પંખા લગાવી દેવાની વાત કરી હતી. પરંતુ ઓફિસમાં બેસીને માત્ર બણગાં ફૂંક્યાં હોય તેમ બે માસ બાદ પણ ડેપોમાં એક પણ પંખો લગાવાયો નથી અને હજારો મુસાફરોની અવર-જવરવાળા ડેપોમાં મુસાફરો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. હવે ડેપ્યૂટી એન્જિનિયર આ શેડ ઘણો ઊંચો હોવાથી પવન આવતો હોઈ અહીં પંખાની જરૂર જ નથી જેથી કરકસરના ભાગરૂપે પંખા લગાવાયા નથી તેમ કહી રહ્યા છે અને નવા બનાવેલા યુપીવીસી શેડ નીચે મધ્યસ્થ કચેરીની મંજૂરી બાદ પંખા લગાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું છે. યુપીવીસી શેડ તૈયાર થઈ જશે એટલે પ્લેટફોર્મ નંબર તથા બસના રૂટ સહિ‌તનાં ર્બોડ લગાવી દેવાની તેમની વાતો પણ પોકળ સાબિત થઈ છે. હવે અઠવાડિયામાં અહીં પ્લેટફોર્મ નંબર તથા બસના રૂટ સહિ‌તનાં ર્બોડ લગાવવાની વાતો તેઓ કરી રહ્યા છે. જેને લઈને મુસાફરોમાં માત્ર પોકળ વાતો જ નહીં નક્કર પરિણામ મળે તેવું કામ કરો તેવા સૂર અને રોષ સાથે ડેપોમાં પંખા લગાવવાની માંગ પ્રવર્તી રહી છે.