સિદ્ધપુર નજીક માર્ગ અકસ્માતમાં ડીસાના તબીબના માતા-પિતાનું મોત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરથી ડીસા આવતા સિદ્ધપુર પાસે અકસ્માત નડયો: ડીસામાં સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં લોકો જોડાયા ડીસા શહેરમાં જાણીતા આંખના તબીબ ડૉ. વિનય પઢિયારના માતા-પિતાનું સિદ્ધપુર-ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા નજીક શનિવારે સવારે આઠેક વાગ્યાના સુમારે અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તેઓની ડીસા ખાતે નિકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડીસા હાઇવે ઉપર ગાયત્રી મંદિર સામેના ડૉકટર હાઉસ વિસ્તારમાં આવેલ વિનાયક આઇ હોસ્પિટલના ડૉ. વિનય પઢિયારના પિતા ભેમાજી (બાબુભાઇ) કરશનભાઇ પઢિયાર (ઉ.વ.૬૮) અને માતા મધુબેન ભેમાજી પઢિયાર (ઉ.વ.૬પ) ગાંધીનગરથી તેઓની મારૂતિ કાર નં. જીજે-૧૮-એએ- ૨૬પપ માં શનિવારે સવારે ડીસા તરફ આવી રહ્યા હતા. ત્યારે ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા નજીક પ્રિત હોટલ સામે નવિન રસ્તો બનવાથી સફેદ પટ્ટા લગાવવાનું કામ ચાલતું હોવાથી રસ્તો વન-વે કરાયો હતો. જેથી સામેથી રોંગ સાઇડમાં આવી રહેલી તુફાન જીપ નં. જીજે-૨-ઓપી- ૯૯૩૧ ના ચાલકે મારૂતિ કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ થઇ જવા પામ્યો હતો. જયારે અંદર બેઠેલ ભેમાજી અને મધુબેનનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. મૃતકોની લાશને ઊંઝા સિવિલમાં પી.એમ. કર્યા બાદ ડીસા લાવવામાં આવી હતી. જયાં તેમની અંતિમ યાત્રામાં ડીસા અને પાલનપુર સહિ‌તના માળી સમાજના લોકો તેમજ સ્નેહીજનો અને તબીબ મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.