પાટણ જિલ્લામાં ઓછા વરસાદમાં ખરીફ વાવેતર વધ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વરસાદની પ૦ ટકા ઘટથી રોકડીયા પાક દિવેલા, કઠોળ, કપાસનું વાવેતર ઘટ્યું - સરકારે ઘાસચારાના વાવેતર પર ભાર મૂક્તાં ૧.પ૪ લાખ હેક્ટરમાં વાવેતર થયું ચોમાસામાં આ વખતે પાટણ જિલ્લામાં પ૦ ટકા જેટલો વરસાદ હોવા છતાં ખરીફ સિઝનનું વાવેતર ગત સાલની સરખામણીએ વધ્યું છે. નોંધનીય છેકે, માત્ર ઘાસચારો અને ગવારનું વાવેતર વધ્યું છે. જ્યારે મહત્વના રોકડિયા પાક દિવેલા, કઠોળ, દેશીકપાસ અને બીટી કપાસના વાવેતરનો ઘટાડો થયો હોવાથી રોકડીયા પાકોના સરેરાશ ઉત્પાદનમાં ઘટાડો થવાના અણસાર મળી રહ્યાં છે. અગાઉના વર્ષે ૩.૩૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ચાલુ સાલે વધીને ૩.૪૧ લાખ થયું છે. પરંતુ પાછોતરો વરસાદ થયો હોવાથી બાજરી, કપાસ, દિવેલા અને કઠોળના ઉત્પાદન પર માઠી અસર થવાના અને ગત સાલ કરતાં ઉત્પાદન ઘટવાના સંકેતો મળી રહ્યાં છે. ચોમાસાના પ્રારંભથી જ વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતો આર્થિ‌ક સ્ત્રોત ગણાતા રોકડીયા પાકોનું ખેડૂતો પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શક્યાં નથી. જેમાં કઠોળ અગાઉના વર્ષે ૪૨પ૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું. જે આ વખતે ઘટીને ૩૬ હજાર હેક્ટર થયું છે. દિવેલાનું અગાઉ ૧.૩૦ લાખ હેક્ટરમાં વાવેતર હતું જે આ વખતે માત્ર ૯૩ હજાર હેક્ટર થયું છે. દેશી કપાસ ૩૬૮૦૦ હેક્ટરથી ઘટીને ર૭૮૦૦ હેક્ટર અને બીટી કપાસનું ગત વર્ષે ૩પ૮૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ચાલુ વર્ષે ર૬ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ભાજપ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વાનક્ષત્ર વરસાદનું પાણી પડતાં કપાસના પાકમાં નુક્સાન થયું છે તો એરંડાનો પાક ખૂબ સારો છે. જયારે પાટણ જિલ્લા કિસાન ખેતમજદૂર પ્રમુખ વદનસિંહ ઠાકોરે જણાવ્યું હતુંકે, સિઝનની શરૂઆતમાં વરસાદ ન થયો અને એરંડાના પાકમાં ઇયળોનો ઉપદ્રવ થતાં ભારે નુક્સાન થયું છે. કપાસમાં પણ પાછોતરા વરસાદથી કેરીઓ ખરી પડતાં નુક્સાન થયું છે જેથી ખેડૂતોને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જા‍યો છે. - વાવેતર વધુ થયું પરંતુ સરેરાશ ઉત્પાદન ઘટવાના સંકેત જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.પી. ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાલુ સાલે વાવેતર વધ્યું છે. પરંતુ રોકડીયા પાકો દિવેલા, કઠોળ અને કપાસના પાકનું વાવેતર ઓછો થયું હોવાથી સરેરાશ ઉત્પાદનમાં ઘટ પડી શકે છે. જે બાબત પાક ઉત્પાદનમાં અખતરાઓને અંતે સ્પષ્ટ થઇ શકે. - પાછોતરા વરસાદથી પાકને નુક્સાન થયું છે પ્રદેશ કિસાન વિકાસ સંઘના પ્રમુખ કિર્તીભાઇ અમીને જણાવ્યું હતું કે, પાછોતરા વરસાદથી કપાસ, એરંડા અને ગવારના પાકને નુક્સાન થયું છે. ખેડૂતોએ ખરીફ સિઝનમાં ખેતી માટે જે ખર્ચ કર્યો છે તે ખર્ચ પણ આ સિઝનમાંથી નીકળી શકે તેમ નથી. પાછોતરા વરસાદે ખેડૂતોની સિઝન બગડી છે. - ઘાસચારો અને ગવારનું વાવેતર વધ્યું પાછોતરા વરસાદથી ઘાસચારાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. ગતસાલ વરસાદમાં ઘાસચારાનું વાવેતર ૭૭ હજાર હેક્ટરમાં હતું જે ચાલુસાલે વધીને ૧.પ૪ લાખ હેક્ટરમાં થયું છે ત્યારે અગાઉના વર્ષે ગવારનું વાવેતર માત્ર ૯૭૦ હેક્ટરમાં હતું જે આ વખતે ૧૪૪૧પ હેક્ટરમાં વાવેતર થયું છે.