મોડાં બિલ વીજકંપની આપે,ને દંડરૂપી ‘કરંટ’ લાગે ગ્રાહકોને!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાં અનેક ઠેકાણે વીજબિલો અનિયમિત મળતાં હોવાની બૂમરાડ યુજીવીસીએલ કંપનીની વિભાગીય કચેરી કડી દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજકંપનીના ગ્રાહકોને વીજબિલ પહોંચાડવામાં ઠાગાઠૈયા કરાતાં ત્રણ- ત્રણ બિલોની રકમ એક સાથે દંડ સાથે ભરવાની થતી હોઇ ગ્રાહકોમાં વીજકંપનીના સત્તાધીશો સામે રોષ ભભૂકી ઊઠ્યો છે. યુજીવીસીએલની વિભાગીય કચેરી કડી દ્વારા છેલ્લા છ માસથી વીજકંપનીના કડીના દેત્રોજ રોડ સ્થિત ખોડિયાર ચેમ્બર્સ તેમજ આશાપુરા ટ્રેડ સેન્ટર સહિતના ઠેકાણે વીજબિલો અનિયમિત પહોંચાડતાં ગ્રાહકોને ત્રણ-ત્રણ બિલો એકીસાથે આપી કનેકશનો કાપવાની કાર્યવાહી હાથ કરાતી હોઇ ગ્રાહકો પરેશાન થઇ ઊઠ્યા છે. વળી બિલ ભરવાની તારીખો પૂરી થઇ હોઇ દંડની રકમ પણ બિલમાં ચડી જતાં ગ્રાહકોને બેવડો માર પડે છે. છેલ્લા ઘણા દિવસથી બિલની ડિલિવરીની સમસ્યાને લઇ દેત્રોજ રોડ સ્થિત અનેક કોમ્પલેકસના દુકાનદારોએ ગુરુવારે છેલ્લી તારીખે વીજકંપનીની ઓફિસમાં રજુઆત કરી બિલની ડુપ્લીકેટ કોપી મેળવી દંડથી બચવા દોડાદોડ કરવી પડી હતી. જ્યારે કેટલાકને હજી બિલ મળેલ ન હોઇ દંડ ભરવો પડશે. હંગામી કર્મચારીઓ વેઠ વાળતાં મુશ્કેલી સર્જાય છે : ઇજનેર આ બાબતે વીજકંપનીના સીટી ઇજનેર પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં બિલ રીડર ફકત ત્રણ જ હોઇ હંગામી ધોરણે માણસો રાખી કામગીરી કરાવાય છે. જેમાં હંગામી નોકરિયાતો વેઠ વાળતાં હોઇ મુશ્કેલી ઊભી થાય છે.