રાધનપુરના કોંગી અગ્રણી સહિત ત્રણ સામે જમીન છેતરપિંડીની ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રી અગ્રણીએ પુત્રીના નામે રાધનપુરના શેરગંજમાં ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવાનો આક્ષેપથી ખળભળાટ રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામની સીમમાં આવેલ ખેતરના ખોટા પાવર ઓફ એટર્ની તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી જમીન બારોબાર પધરાવી દેવાના મામલે શહેર કોંગ્રેસના અગ્રણી સહિત ત્રણ વ્યક્તિ સામે રાધનપુર પોલીસ મથકે ગુનો નોંધાતા રાજકીય હલચલ મચી જવા પામી છે. રાધનપુરના શેરગંજમાં રહેતા નરેશભાઇ તળશીભાઇ પરમારે રાધનપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં શહેરના કોંગ્રેસના અગ્રણી રઘુરામભાઇ રણછોડભાઇ ઠક્કર, તેમની દીકરી હંસાબેન અને ઉસ્માન અબ્દુલ રહેમાન વોરા વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. જેમાં ઉક્ત શખ્સોએ તળશીભાઇ પરમારના નામની શબ્દલપુરા ગામની સીમમાં આવેલી સંયુક્ત ખાતાની જમીન સરવે નંબર ૧૫૫/૪૬, ૧૫પ/૫૦ના ખોટા પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા. જ્યારે આ શખ્સોએ ખોટા વેચાણ દસ્તાવેજ બનાવી તળશીભાઇની હયાતીમાં જ રઘુરામભાઇ ઠક્કરે તેમની દીકરી હંસાબેનના નામનો વેચાણ દસ્તાવેજ કરી અને તેને ઉસ્માન વોરાએ ખોટી શાખ આપી હતી. આમ કરીને ખેતર પડાવી લેતાં તે અંગે કહેતાં તેઓએ જાતિ વિશે અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ડીવાયએસપી જી.સી.પટેલે તપાસ હાથ ધરી છે. મારી સામે રાજકીય રમત રમાય છે : કોંગી અગ્રણી રઘુરામભાઇ ઠક્કરે તેમના વિરુદ્ધનું ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું. ગાંધી આશ્રમ અમદાવાદની સંસ્થા હરજિન સેવક સંઘમાં તેઓ પાવર ઓફ એટર્ની છે અને તેમાં બાંધકામ ચાલુ હોઇ તે સામે રાધનપુર કોર્ટમાં હરીજન સમાજના લોકો જતાં તેમણે સ્ટે હાઇકોર્ટમાંથી લાવતાં આ શબ્દલપુરાવાળી જમીનનો ખોટો કેસ કરાયો છે. વાસ્તવમાં આ જમીન ર૦૦રમાં તેમણે ખરીદ કરેલી હતી તેવું તેમણે ઉમેર્યું હતું. આગામી ચૂંટણીમાં તેઓ ટીકીટની દાવેદારી કરતાં હોઇ તેમના વિરુદ્ધ આવી ગંદી ચાલ રમાતી હોવાનો બચાવ કર્યો હતો.