વહેમીલા પતિનું કારસ્તાન, સૂઇ રહેલી પત્નીને રહેંસી નાખી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈડર તાલુકાના રતનપુરમાં પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો ઇડર તાલુકાના રતનપુર ગામની સીમમાં બોરકૂવા પર રહેતા અને ભાગીયા તરીકે કામ કરતા એક યુવકે પત્નીના ચારિત્ર્ય પર વહેમ રાખી ગુરૂવારે રાત્રે તિક્ષ્ણ હથિયાર વડે ગરદન પર ઇજા કરી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે મૃતક મહિ‌લાના પુત્રએ શુક્રવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ઇડર તાલુકાના રતનપુર ગામના અરવિંદભાઇ રવાભાઇ પટેલના બોરકૂવા પર ચાર માસ અગાઉ ભાગીયા તરીકે મૂળ વડોદરા જિલ્લાના જમાલગઢ ગામના રમેશભાઇ ખુશાલભાઇ વસાવા (ઉ.વ.૪૮) તેમની પત્ની શનીબેન અને બે સંતાનો સાથે રહીને ખેતી કામ કરતા હતા. દરમિયાન શંકાશીલ રમેશભાઇને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતા હતા.જેથી અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. દરમિયાન ગુરૂવારે બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેના કારણે રમેશભાઇના મનમાં પત્નીના ચારિત્ર્ય અંગે અનેક વિચારો આવતા હતા. દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યે રમેશભાઇએ એકાએક આવેશમાં આવી જઇ તિક્ષ્ણ હથિયાર વડે સૂઇ ગયેલા શનીબેનના ગરદનના ભાગે ઘાતક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ રમેશભાઇ બોરકૂવા પરથી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ મૃતક શનીબેનને દામપત્ય જીવનમાં બે સંતાનો હોવાથી તે પૈકી પુત્ર પ્રવિણભાઇ રમેશભાઇ વસાવાને જાણ થતા તેમણે પિતા વિરુદ્ધ શુક્રવારે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેથી પી.આઇ. વી.કે.દેલવાડીયા તથા સ્ટાફે ઘટના સ્થળે જઇ વધુ તપાસ હાથ ધરી હતી.