બહેરા - મૂંગા શાળામાંથી વિદ્યાર્થી ગુમ થતાં દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પિલાજીગંજમાં આવેલી શાળાની હોસ્ટેલમાંથી રાત્રીના સમયે નીકળી ગયો : બાળ રિમાન્ડ હોમમાંથી અભ્યાસ અર્થે મુકવામાં આવ્યો હતો શહેરના પિલાજીગંજમાં આવેલી બહેરા-મૂંગાની શાળામાં અભ્યાસ કરતો ૧૦ વર્ષનો વિદ્યાર્થી શુક્રવારે રાત્રે અત્રેની હોસ્ટેલમાંથી ગુમ થઇ જતાં શાળા સંચાલક સહિતમાં દોડધામ મચી ગઇ હતી. છતાં કોઇ ભાળ નહીં મળતાં એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાઇ છે. ત્રણ માસ અગાઉ મહેસાણા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા ૧૦ વર્ષના બહેરા-મૂંગા એવા પપ્પુને બાળ રિમાન્ડ હોમમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેને અભ્યાસમાં ઋચિ હોઇ અત્રેના પિલાજીગંજ વિસ્તારમાં આવેલી કેસરબેન કિલાચંદ બહેરા-મૂંગા શાળામાં અભ્યાસ અર્થે મૂકવામાં આવ્યો હતો. જે અહીં શાળામાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં જ રહેતો હતો. દરમિયાન શુક્રવારે રાત્રીના સમયે કોઇને પણ જાણ કર્યા વિના પપ્પુ અહીંથી નીકળી ગયો હતો. જેની જાણ શાળા સંચાલકોને થતાં તેમણે શોધવા દોડાદોડ કરી મૂકી હતી. શહેરના રેલવે સ્ટેશન તેમજ એસટી સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ કરવા છતાં તેની કોઇ ભાળ નહીં મળતાં શાળા સંચાલકોએ એ ડિવિઝન પોલીસ મથકમાં પપ્પુ ગુમ થયો હોવાની જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.