બે રાયફલ, બંદૂક અને કારતૂસ સાથે ચાર ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બુધવારે બાતમી આધારે હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર નાકાબંધી કરી કાંકણોલ પાસેથી એક ટાટા સફારી ગાડીમાંથી બે રાયફલો, એક બંદૂક તેમજ ૪૨ કારતૂસો સાથે ઉત્તરપ્રદેશના ચાર શખ્સોને ઝડપી કુલ રૂ.૬,૨૭,૧૯૦નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિક્ષક ચિરાગ કોરડીયાની સુચનાને આધારે એસ.ઓ.જી. પી.આઇ. બી.એલ.દેસાઇને સ્ટાફ સાથે શામળાજી નેશનલ હોઇવે પર નાકાબંધી કરવા જણાવ્યુ હતું. જેથી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ભગવાનભાઇ દેસાઇ, દલજીતસિંહ રાઠોડ, નટવરસિંહ, હે.કો.નાથાભાઇ દેસાઇ સહિતની ટીમે બુધવારે મોડી સાંજેનેશનલ હાઇવે પર આવેલા કાંકણોલ ગામના શંકરધામ પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમિયાન ટાટા સફારી નંબર જીજે.૧કેસી.૩૭૪૯ આવતા એસ.ઓ.જી.ના સ્ટાફે રોકી તપાસ કરી હતી. જેમાં મૂળ ઉત્તરપ્રદેશના મુનેન્દ્રસીંગ સોલંકી અને ધરમસીંગ રામસીંગ કુરાવાહા (બંને રહે.મીડોલ બુઝુર્ગજિ.કાસજંગ, યુ.પી.) પાસેથી ઉત્તરપ્રદેશની હદના હથિયાર લાઇસન્સવાળી રાયફલો તથા ૩૭ કારતૂસો મળી આવ્યા હતા. જ્યારે બીરેન્દ્રસીંગ લખપતસીંગ યાદવ (રહે.મડૈયા, કરીલગઢ, પો.જેતપુર, તા.જી.ઇટાવા, યુ.પી.) પાસેથી જમ્મુ કાશ્મીરથી ઇસ્યુ થયેલ લાઇસન્સમાં રીન્યુઅલની તારીખોમાં ચેકચાક કરેલી લાયસન્સવાળી બારાબોર બંદૂક પાંચ કારતૂસ સાથે મળી આવી હતી. દરમિયાન હાલ અમદાવાદના માનસી ટાવર પાસેના સન્માન કોમ્પલેક્ષમાં રહેતો અજયસીંગ મલખાનસીંગ ચૌહાણ (મૂળ રહે.વરચૌલી,જિ.ઇટાવા, યુ.પી.)ની ટાટા સફારી ગાડીનો આ શખ્સોએ ઉપયોગ કર્યો હતો. તેથી ચારેયને ઝડપી લીધા હતા. એસ.ઓ.જીની ટીમે રૂ.૧.૧૫ લાખની કિંમતની રાયફલો અને બારાબોર બંદૂક સાથે રૂ.૪૨૦૦ની કિંમતના ૪૨ કારતૂસો, ત્રણ મોબાઇલ રૂ.૩ હજારના રોકડ રકમ રૂ.૪૯૯૦ તેમજ રૂ.૫ લાખની કિંમતની ટાટા સફારી ગાડી સહિત કુલ રૂ.૬,૨૭,૧૯૦નો મુદ્દામાલ કબ્જે કરી હથિયારો સાથે તેઓની ધરપકડ કરી લીધી હતી.