કડીના લોકદરબારમાં દારુની ચિંતા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી શહેરમાં ખુલ્લેઆમ દારૂ જુગારની હાટડીઓ ચાલતી હોવાનો અને શહેરના હાર્દસમા વિસ્તારોમાં રિક્ષાચાલકો દ્વારા ઊંચા અવાજે સ્પીકરો વગાડી અને ટ્રાફીકજામ કરી પ્રજાને રંજાડતા હોવાનો પડઘો શુક્રવારે કડીમાં યોજાયેલા જિલ્લા પોલીસવડાના લોક દરબારમાં પડયો હતો. કડી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા પોલીસવડા આર.જે.મોથલીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોક દરબારમાં હાજર પ્રબુદ્ધ નાગરિકોએ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. શહેરમાં ખુલ્લેઆમ દારૂ, જુગારની હાટડીઓ તેમજ દેત્રોજ રોડ પરના ગેસ્ટહાઉસોમાં વેશ્યાવૃતિ ચાલતી હોવા છતાં પોલીસ નિષ્ક્રિ‌યતા બતાવી રહી છે તેમ શહેર પ્રમુખ રમેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું. શહેરના મધ્યમાં બેફામ રિક્ષાચાલકો આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરી રહ્યા છે. તેમજ રાત્રે મોડે સુધી નાસ્તા-પાણીની લારીઓ પર ઉભા રહી નશામાં ધૂત યુવકો દ્વારા ઠઠ્ઠા મશ્કરી કરાતી હોય છે તેમ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવણકાકાએ જણાવ્યું હતું. તેમણે દારૂ-જુગારની બદી અંગે સ્થાનિક પોલીસ કે કંટ્રોલરૂમ તથા ડીએસપી કચેરીમાં માહિ‌તી આપવા છતાં કોઇ પગલાં લેવાતાં નથી, ઉલટાનું પોલીસ દ્વારા જુગારીઓને બાતમીદારનું નામ આપી બાતમીદાર પર દબાણો કરવાના પ્રયત્નો થતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જિલ્લા પોલીસવડા આર.જે.મોથલીયાએ અગાઉના લોક દરબારોમાં પોલીસે ઠાલાંવચનો આપ્યાં હશે, પરંતુ હું બીજા લોક દરબારમાં આવીશ ત્યારે અગાઉના પ્રશ્નોનું પ્રેઝન્ટેશન અને તેના પર કરેલી કાર્યવાહીની સૂચિ જરૂર જણાવીશ તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા પોલીસવડા તરૂણ બારોટ, માર્કેટયાર્ડના ચેરમેન વિનોદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભરતભાઇ પટેલ, તાલુકા સદસ્ય શૈલેષભાઇ પટેલ સહિ‌ત શહેરના અગ્રણીઓ તેમજ સ્થાનિક પીઆઇ અલ્પેશ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા.