પાઇપલાઇન નાખતી વેળા માટીની ભેખડ ધસી પડતાં બે મજૂર દટાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નાગલપુરના કસ્બામાં ભૂગર્ભ ગટરની કામગીરી સમયે બનેલી ઘટના - બંને શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા નાગલપુરના કસ્બા વિસ્તારમાં મંગળવારે સવારે ભૂગર્ભ ગટર માટે પાઇપલાઇનના કામકાજ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતાં બે શ્રમિકો દટાયા હતા. ભારે જહેમતને અંતે બહાર કાઢાયેલા શ્રમિકોને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા ચાલતા ભૂગર્ભ ગટરના કામકાજ અંતર્ગત પ્રવિણભાઇ કોન્ટ્રાકટર દ્વારા મંગળવારે શહેરના નાગલપુર કસ્બા વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી. સવારે નવ વાગ્યે ખોદકામ કરી શ્રમિકો પાઇપ નાખી રહ્યા હતા તે સમયે અચાનક માટીની ભેખડ ધસી પડતાં માટી નીચે બે શ્રમિકો દટાયા હતા. જેને પગલે હોબાળો મચતાં ઘટનાસ્થળે લોકો એકત્રિત થઇ ગયા હતા અને માટી નીચે દબાયેલા મકનાભાઇ મુળજીભાઇ બારૈયા તેમજ મગનભાઇ દીતીયા ગણાવતને ભારે જહેમતને અંતે બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. નોંધનીય છે કે, મકનાભાઇ બારૈયાના હાથના ભાગે થયેલી ગંભીર ઇજાને પગલે વધુ પડતું લોહી વહી જતાં હાલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક તબીબે બી ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવની જાણ કરી હતી.