પ૦ હજારની લાડી પ દિવસમાં જ ફરાર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નના બહાને કડીના યુવાન સાથે છેતરપિંડી : યુવતી સહિ‌ત ત્રણ સામે ફરિયાદ જમીનના કાગળો પર સહીઓ કરાવવાના બહાને લઇ ગયા. તેડવા ગયેલા યુવાનને ધમકી આપી તગેડી મૂક્યો કડીના યુવાન પાસેથી રૂ.પ૦ હજાર લઇ લગ્ન કરનાર મહારાષ્ટ્રની મોરે યુવતી માત્ર પ દિવસ બાદ જમીનમાં સહીઓ કરવાના બહાને પિયર ચાલી ગઇ હતી. બાદમાં પિયર ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાનને યુવતીના સગાઓ દ્વારા ધમકી અપાતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. કડી ખાતે રહેતા દિલીપભાઇ ખમારના પુત્રના લગ્નની વાતો ચાલી રહી હતી તે સમયે તેઓ મહારાષ્ટ્રના ભવાસર ગામે રહેતા શોભાબેન ભગવાનભાઇ મોરેના સંપર્કમાં આવ્યા હતા અને તેને લગ્ન માટે યોગ્ય યુવતી બતાવવાનું સ્વપ્ન બતાવ્યું હતું. દોઢ મહિ‌ના અગાઉ આ શોભાબેને સુનિતા નામની બતાવેલી યુવતી પસંદ પડી જતાં ખમાર યુવાનના લગ્ન લેવાયા હતા અને લગ્ન પેટે નિયત કરેલ રૂ.પ૦ હજાર યુવતીના પરિવારને ચૂકવી હતી. જોકે, લગ્નના માત્ર પાંચ દિવસ બાદ લગ્ન કરાવનાર શોભાબેન તેમજ યુવતીની કહેવાતી મા શકુન્તલાબેન કડી આવ્યા હતા અને જમીનના દસ્તાવેજોમાં સહીઓ કરાવવાના બહાને સુનિતાને તેમની સાથે લઇ ગયા હતા. પંદર દિવસ જેટલો સમય થવા છતાં પરત ન ફરેલી પત્નીને યુવાન તેડવા જતાં યુવતીને તેની સાથે મોકલવાનો ઇન્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ યુવાને કડી પોલીસ સ્ટેશનમાં શકુન્તલાબેન મોરે, શોભાબેન ભગવાનભાઇ મોરે, સુનિતાબેન ભગવાનભાઇ મોરેની વિરુદ્ધમાં છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાવી હતી.