તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિ‌લાઓ મેદાનમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભિલોડાના ચેનવા વાસની પ૦થી વધુ મહિ‌લાઓની દારૂના પ્રતિબંધનો અમલ કરાવવા રજૂઆત
- દારૂના વ્યસનથી પાંચ વર્ષમાં ૨૦થી વધુ મહિ‌લાઓ વિધવા બની


ગુજરાતમાં દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં ઠેર ઠેર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દરમિયાન ભિલોડામાં આવેલ ચેનવા વાસની મહિ‌લાઓએ દેશી દારૂની ભઠ્ઠીઓને બંધ કરાવવા શનિવારે ભિલોડા ગ્રામપંચાયતથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન આગળ છાજીયા લીધા હતા અને આક્રોશ વ્યક્ત કરી દારૂના અડ્ડાઓ બંધ કરવા લેખિત રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો.

ચેનવા વાસના મધુબેન ભૂરાભાઈ ચેનવા, ભગવતીબેન અમૃતલાલ ચેનવા સહિ‌ત પ૦થી વધુ મહિ‌લાઓએ નવા ભવનાથ પાસે આવેલી જીઈબી પાવર હાઉસ પાછળ ચાલતા દેશી દારૂના અડ્ડાઓને બંધ કરવા માટે શનિવાર લેખિત રજૂઆત કરી હતી.

જેમાં મહિ‌લાઓએ તાજેતરમાં એક યુવાન દારૂની લતથી મૃત્યુ પામતા તથા પાંચ વર્ષમાં ગામની ૨૦થી વધુ મહિ‌લાઓ વિધવા બનતાં દારૂના દૂષણને બંધ કરવા શનિવારે ગ્રામપંચાયત આગળ એકઠા થઈ સરપંચ મનોજભાઈ પટેલને ડેપ્યુટી સરપંચ અનિલભાઈ રાવલ, કમલેશભાઈ મહેતા, રઘજીભાઈ પટેલ અને બાબુભાઈ પરમારની ઉપસ્થિતિમાં રજૂઆત કરી રેલી સ્વરૂપે દારૂ છોડાવો, માણસોને બચાવો, અડ્ડા બંધ કરાવોના સૂત્રોચ્ચાર સાથે પીએસઆઈ વી.યુ.ચાવડા તથા મામલતદાર એ.કે.જોષીને આવેદનપત્ર આપી દારૂના અડ્ડાઓ સત્વરે બંધ કરાવવા રજૂઆત કરી હતી.

વધુમાં મહિ‌લાઓએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં દારૂના લીધે ગામની ૨૦થી વધુ મહિ‌લાઓ વિધવા બની છે. દારૂના અડ્ડાઓ બેફામ ચાલતા મહિ‌લાઓને મુશ્કેલી પડી રહી છે. ગામમાં બિન અધિકૃત રીતે છાપરાં બનાવી દારૂનો ધંધો કરતા લોકોને પોલીસ દ્વારા કડક હાથે કામ લઈ દારૂના અડ્ડાઓ સત્વરે બંધ કરાવાય તેવી ઉગ્ર માંગ કરી હતી.

જો દારૂના અડ્ડાઓ બંધ નહી કરાય તો મહિ‌લાઓ દ્વારા આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવાની તથા આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.