માલપુરમાં પાણી માટે મહિ‌લાઓને રઝળપાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગટરલાઈનનું આડેધડ ખોદકામ કરાતાં ગામના અનેક વિસ્તારોની પાઈપલાઈનો તટી જતાં લોકોને હાલાકી

માલપુર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગટરલાઈનનું કામ ચાલતું હોવાથી આડેધડ ખોદકામ કરાતાં ગામના અનેક વિસ્તારોમાં પાઈપ લાઈનો તૂટી જવાથી લોકોને ભર ઉનાળે પાણી માટે વલખાં મારવા પડે છે.

માલપુર ગામના અનેક વિસ્તારો જેવાકે પંચાલફળી, હરિજનવાસ,પંડયાવાસ, બગીચા વિસ્તાર સહિ‌ત કેટલાક વિસ્તારોમાં ગટરલાઈન માટે આડેધડ ખોદકામ કરવામાં આવતાં આ વિસ્તારમાંથી પસાર થતી પાણીની મેઈન પાઈપલાઈનો ઠેકઠેકાણે તૂટી ગઇ છે. પાણીના લીકેજ થવાને કારણે રહીશોને વહેલી સવારથી પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને મહિ‌લાઓને માથે બેડાં લઈ કાળઝાળ ગરમીમાં પાણી માટે રઝળપાટ કરવો પડે છે. ત્યારે અધુરામાં પુરું ગામના એક જ બોરની થોડાક અંતરના સમયે બે વાર મોટર બળી જતાં લોકોને પાણી માટે ભારે હાલાકી વેઠવી પડે છે. પરિણામે હાલમાં માલપુર ગામના અનેક વિસ્તારોના લોકોને ચારથી પાંચ દિવસે પાણી નસીબ થાય છે.

ગામના તમામ બોરમાં પુરતા પ્રમાણમાં પાણી હોવા છતાં વહીવટી ખામીના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.