રડોદરા ગામના અરજણ ભરવાડની હત્યા કેસમાં લાલપુરનું દંપતી પકડાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાયડ પોલીસે દારૂના વેપારી અને તેની પત્નીને ઝડપી જેલ હવાલે કર્યા
બાયડ સહિ‌ત આસપાસના પંથકમાં ચકચાર મચાવનાર રડોદરાના અરજણ ભરવાડના કરપીણ હત્યા કેસમાં ઝીણવટભરી તપાસ બાદ બાયડ પોલીસને સફળતા મળતાં ચકચારી આ કેસના મુખ્ય બે આરોપીઓ જેલના સળીયા પાછળ ધકેલાયા હતા. તાલુકાના રડોદરા ગામે પોતાના પુત્રપરિવાર સાથે રહેતો અરજણ ભરવાડ ગત બુધવારના રોજ સાંજે ઘરે થી વિષ્ણુના ઘરે ઉઘરાણી જાઉં છુ એમ કહી નીકળેલા અને બીજા દિવસે ગામના જ એક ખેતરમાંથી આ શખ્સની લાશ મળી આવી હતી. ૪પ વર્ષીય અરજણની કરપીણ હત્યાથી સમગ્ર ભરવાડ સમાજ અને પંથકના લોકોમાં અરેરાટી પ્રસરી હતી અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જા‍ઇ હતી.
મૃતકના પુત્ર હેમાભાઇ ભરવાડની ફરીયાદ બાદ બાયડ પોલીસે ઘટના સ્થળ ઉપર પહોચી લાશ અને તેની પાસે પડેલ સાણસી જેવુ હથીયાર કબ્જે કરી ગુન્હો નોંધી આ ઘાતકી હત્યાની કડીઓ મેળવવાની કવાયત હાથ ધરી હતી. બુધવારની સાંજે વિષ્ણુના ઘરે ઉઘરાણી જઇ આવું છું કહી નીકળેલા અરજણ ભરવાડની હત્યા અંગે બાયડ પોસઇ એ સૌ પહેલી આ વિષ્ણુ કોણ તેની વિગતો મેળવી અને વિષ્ણુની તપાસ હાથ ધરી હતી. આ મોતના ગુન્હામાં પ્રથમ દષ્ટિએ વિષ્ણુ ઉપર શંકાની સોય તાકી પોલીસે લાલપુર ગામે રહેતા અને દારુનો વેપાર કરતા વિષ્ણુ રામા પગી અને તેની પિત્ન સુભદ્રા પગીને જબ્બે કરી તપાસ કરતાં આ દંપતીએ ભેગા મળી રુપીયા ૪૦૦ ની ઉઘરાણીમાં અરજણ ભરવાડનું કાસળ કાઢયું હોવાનું બહાર આવ્યું હતું.
બાયડ પોલીસ સ્ટેશનના પોસઇ સી.કે.બાબરીયા દ્વારા પ્રાપ્ત થયેલ વિગતો મુજબ લાલપુરનો વિષ્ણુ પગી અને તેની પિત્ન સુભદ્રા ગામના સીમાડે દારુનો ધંધો કરતાં હોઇ બુધવારના રોજ પોતાના બાકી નીકળતા રૂપિયા ૪૦૦/- ની ઉઘરાણીએ આવેલા અરજણ ભરવાડને ઘરે બોલાવી ખૂબ દારુ પીવડાવી હાથ બાંધી દઇ માથામાં તીક્ષ્ણ હથીયારનો ઘા મારી મોત નીપજાવી લાશને રડોદરા ગામની સીમમાં આવેલ ખેતરમાં નાખી દીધી હતી.
બાયડ પોલીસે ઝડપી પાડેલા બન્ને આરોપીઓએ ગુનો કબુલી લેતાં પોલસે આ લુટારુ હત્યારાઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરતાં નામદાર કોર્ટે બન્ને આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મજૂર કર્યા હતા. જ્યારે બાયડ પોલસે ગણતરીના દિવસોમાં જ ગુન્હો ઉકેલી નાખતા પંથકની પ્રજામાં રાહતની લાગણી ફેલાઇ હતી. જ્યારે આ હત્યાકેસમાં મુખ્ય આરોપીઓને મદદ કરનાર અન્ય ઇસમો ને ઝડપી લેવા પોલીસ ગતિવિધી તેજ કરી હતી.