હિંમતનગર પાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારો સામે તવાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર પાલિકા દ્વારા ૪ દુકાનો સીલ : રૂ.૨ લાખથી વધુ રકમની સ્થળ પર વસૂલાત :આગામી દિવસોમાં બાકીદારોની મિલ્કતોના નળ કનેક્શન કપાશે:૩૧ મી માર્ચ સુધી વસૂલાતની કામગીરી કરાશે
હિંમતનગર પાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારો પાસેથી વસૂલાત ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે ત્યારે સોમવારે મિલકત વેરાના બાકીદારો સામે સખ્તાઇ પૂર્વકના પગલાના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ટેક્ષ વિભાગના કર્મચારીઓ દ્વારા બાકીદારો પાસેથી સ્થળ પર વસૂલાતની કાર્યવાહી કરી ૪ દુકાનોને સીલ મારવામાં આવતા ફફડાટ ફેલાયો છે. જો કે કેટલાક બાકીદારોએ સ્થળ પર જ મિલ્કત વેરાના બાકી નાણાં જમા કરાવતા રૂ.૨ લાખથી વધુની વસૂલાત કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિ‌તી આપતા ચીફ ઓફિસર નવનિતભાઇ પટેલે જણાવ્યુ હતું કે પાલિકા તરફથી અનેક પ્રકારના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. શહેરના નાગરિકોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ, ગટર યોજના, સીટીબસ સહિ‌તની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેના બદલામાં નગરજનો પાસેથી મિલ્કત વેરા, વ્યવસાય વેરાની રકમની વસૂલાત કરવામાં આવે છે. કેટલાક મિલકત ધારકો નગરપાલિકાની તિજોરીમાં સમયસર ટેક્ષની રકમ જમા કરાવે છે. પરંતુ કેટલાક બાકીદારોને વારંવાર નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ નગરપાલિકા દ્વારા ૩૧ માર્ચ સુધીમાં તમામ મિલ્કત ધારકો ૨૦૧૨-૧૩ ના વર્ષ માટેનો મિલકત વેરો જમા કરાવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.વિવિધ વિસ્તારોમાં મિલ્કત ધરાવતા મિલકતધારકોને સમયસર મિલ્કત વેરાની રકમ પાલિકામાં જમા કરાવવા માટે હાઉસ ટેક્ષ વિભાગ દ્વારા બીલો મોકલી આપવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક રીઢા બાકીદારોએ મિલકત વેરાની બાકી રકમ પાલિકામાં જમા કરાવવા માટેની તસ્દી લીધી ન હતી.
સોમવારે હાઉસ ટેક્ષ વિભાગના કર્મચારીઓ દ્વારા ટેક્ષ બાકી હોય તેવા ચાર મિલ્કતધારકોની મિલકત (દુકાનો)ને સીલ મારવામાં આવ્યા હતા. જેના કારણે બાકીદારો ફફડી ઉઠયા હતા. કેટલાક બાકીદારોએ સ્થળ પર જ બાકી રકમના નાણાં સ્થળ પર જમા કરાવવા માટે આવી પહોંચ્યા હતા. જેના પગલે રૂ.૨લાખથી વધુની રકમની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં મિલ્કત વેરાના બાકીદારો સામે વસૂલાત માટે સખ્તાઇ પૂર્વકના પગલા ભરવામાં આવશે. બાકીદારોની મિલ્કતોના નળ કનેકશન કાપવા તથા મિલ્કત સીલ કરી હરાજી કરવા સુધીની કાર્યવાહી જરૂર પડે કરાશે.
કોની મિલકતો સીલ કરાઇ
બાકીદાર સ્થળ બાકી રકમ (રૂ.)
યોગેશકુમાર મહેતા મહાવીરનગર ચાર રસ્તા ૨૨,૬૦૦
શાલીમાર બિલ્ડર દુર્ગા બજાર ૪૧,૦૦૦
મધુબેન સોની તથા અન્ય છાપરીયા ચાર રસ્તા ૬૪,૦૦૦
આશાપુરા ડેવલોપર્સ ન્યુ દુર્ગા બજાર ૨૦,૦૦૦