હિંમતનગરમાં કરા સાથે વરસાદ: જિલ્લામાં અન્યત્ર માવઠું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પલટાયેલા વાતાવરણને કારણે સોમવારે મોડી રાત્રે હિંમતનગરમાં એકાએક કરા સાથે ૨૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હતો. જેના કારણે લગ્નના આયોજકોના રંગમાં ભંગ પડયો હતો. માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતજિ, તલોદ, ઇડર, વડાલી અને ખેડબ્રહ્ના સહિતના સ્થળે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

હિંમતનગરમાં સોમવારે મોડી રાત્રે એકાએક બરફના કરા સાથેનો જોરદાર વરસાદ પડયો હતો. જેના કારણે અનેક ઠેકાણે રોડ પરથી પાણી વહેવા માંડયુ હતું. એકાએક પડેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. સોમવારે રાત્રે હિંમતનગરમાં અનેક ઠેકાણે લગ્ન પ્રસંગે યોજાયેલ રાસ-ગરબાના કાર્યક્રમમાં વરસાદ વિલન બન્યો હતો.

પ્રાંતજિ, તલોદ, વડાલી, ખેડબ્રહ્ના સહિતના સ્થળે મોડી રાત્રે પડેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાદવ થઇ ગયો હતો. જેના કારણે ગંદકી ફેલાઇ છે. પ્રાંતજિ અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ૧૧-૩૦ કલાકના સુમારે જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો. ઉપરાંત જોરદાર વીજળીના કડાકા થતા જાણે કે ચોમાસુ બેઠુ હોય તેવો માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. જે મંગળવારે સૂર્યોદય પછી પૂર્વવત થયો હતો.

હિંમતનગર સહિત અનેક ઠેકાણે ખેડૂતોએ વાવેતર કરેલ આગોતરા ઘઉંના પાકમાં થઇને સુસવાટા મારતો પવન ફંૂકાતા પાક જમીનદોસ્ત થઇ જવા પામ્યો હતો. મંગળવારે આકાશ સ્વચ્છ રહ્યુ હોવાને કારણે પાકને સૂર્યપ્રકાશ મળ્યો છે. જેથી પાકના જીંડવા પર પડેલુ પાણીનુ બાષ્પીભવન થઇ જવાને કારણે કોઇ પાકને ખાસ નુકશાન થશે નહિ એમ જિલ્લા ખેતીવાડી અધિકારી કાકડે એ જણાવ્યુ છે.

વિજયનગર : સોમવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો. જેમાં ગામમાં ઠેર ઠેર ખોબાચિયા ભરાઇ ગયા હતા. કમોસમી વરસાદના કારણે ચણા, રાયડો, વરિયાળીના પાકને નુકશાન થવાનો ડર ખેડૂતવર્ગમાં પેદા થયો છે.
બાયડ : બાયડમાં પણ રાત્રે વરસાદ થતાં ખેતીના પાકમાં રોગચાળાની દહેશતને લઈ ખેડૂતોમાં ચિંતાની લકીર જોવા મળી રહી છે.