સાબરડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને કિલો ફેટે 525 મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દૂધ ખરીદીના ભાવમાં એક મહિ‌નામાં બીજી વખત વધારો
- ૨૧ માર્ચથી દૂધ ઉત્પાદકોને કિલો ફેટના રૂ.પ૨પ ચૂકવવા સાબર ડેરીનો નિર્ણય
સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોને સાબરડેરી દ્વારા એક જ મહિ‌નામાં બીજી વખત દૂધ ઉત્પાદકોને વધુ ભાવ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત તા.૨૧ માર્ચથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂ.પ૨પ ચૂકવવામાં આવશે એમ ગુરૂવારે ડેરીના ચેરમેને જાહેર કર્યુ હતું. આ અંગે સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલે જણાવ્યુ હતું કે ઉનાળો શરૂ થઇ ચૂકયો છે ત્યારે દૂધની માંગ વધવાની શકયતા છે. તેમજ દૂધ ઉત્પાદકોને પશુપાલનનો વ્યવસાય વધુ આવક રળી આપતો બને તેમ નિયામક મંડળ ઇચ્છી રહ્યુ છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો, ખાણદાણ તથા પશુઓની સારવાર અને નિભાવણી ખર્ચ પર મોંઘવારીની અસરો પડી રહી છે.
જેના કારણે દૂધ ઉત્પાદકોને અને તેમાં પણ ખાસ કરીને મહિ‌લા વર્ગને ઝાઝુ વળતર મળતુ નથી. જેથી સાબરડેરી દ્વારા મહિ‌લા સશકિતકરણ અને તેમના ઉત્થાનને વધુ વેગ મળે તે માટે દૂધના કિલો ફેટમાં વધારો કરાયો છે. જે અંતર્ગત અત્યારે દૂધ ઉત્પાદકોને ચૂકવાતા રૂ.પ૦૦ ને બદલે રૂા.પ૨પ ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાબરડેરી તેની સ્થાપનાના પ૦ વર્ષ પુરા કરી પ્રર્વતમાન વર્ષે સુવર્ણ જયંતિ ઉજવી રહી છે ત્યારે દૂધ ઉત્પાદકોને તેમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બનાવી લાભ અપાયો છે. ડેરીના ચેરમેને એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાતમાં આવેલા અન્ય સંઘો કરતા સાબરડેરી દૂધ ઉત્પાદકોને સૌથી વધુ ભાવ ચૂકવવાનો યશ મેળવે છે.