બટાકાના ભાવ ગગડતાં ખેડૂતો મુંઝવણમાં, કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોડાસા તાલુકાના મણીપુરકંપા,ગણેશપુરકંપા,રાજલીકંપા જેવા ગામોમાં બટાકા નુ મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે
- સ્થાનિક કોલ્ડ સ્ટોરેજ ભરાઇ જતાં દુર દુર કોલ્ડ સ્ટોરેજ ભાડે રાખવાની ફરજ પડી
બટાકાના ભાવ ગગડતાં મોટાસા તાલુકાના મણીપુરકંપા, ગણેશપુરકંપા, રાજલીકંપા સહિ‌તના ગામોમાં બટાટાનું વાવેતર કરતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. અને પોષણક્ષમ ભાવના અભાવે તેઓએ ન છુટકે કોલ્ડ સ્ટોરેજમાં મુકવાનો વારો આવ્યો છે. જેમાં પણ સ્થાનિક કોલ્ડ સ્ટોરેજ ભરાઇ જવાથી દૂર દૂર સુધી ખર્ચ કરીને જવું પડે છે.
મોડાસા તાલુકાના મણીપુરકંપા, રાજલીકંપા, ગણેશપુરકંપા જેવા ગામોમાં ખેડૂતોએ ઘઉના બદલે મોટાભાગની જમીનમાં બટાકાનું લગભગ ૧પ૦૦ વિઘામાં વાવેતર કરેલ છે. અગાઉના બે વર્ષમાં ભાવ જળવાઇ રહેતો હતો. બટાકાની ખેતીમાં અલગ અલગ વેરાયટીના બિયારણોનું વાવેતર કરવામાં આવતુ હોય છે. ગતવર્ષે એલ.આર.વેરાયટીના બટાકાનો વેફરમાં વપરાશ થવાથી ભાવ ઉચકાયો હોવાની ઓણસાલ ખેડૂતોએ મોટા પ્રમાણમાં એલ.આર વેરાયટીનું વાવેતર પુરજોશમાં કરેલ હતું. પરંતુ એલ.આર.બટાકાનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયા છે. પડતા પર પાટુની જેમ ખેડૂતોને ના છુટકે કોલ્ડ સ્ટોરેજમાં ૧ કીલોના ૧.૯૦ પૈસાના ભાવે મુકવાનો વારો આવતા ખેડૂતોને કમાવાને બદલે ચુકવવાની ફરજ પડી છે. વધારે પડતા વાવેતરને લીધે સ્થાનીક કોલ્ડ સ્ટોરેજ ભરાઇ જવાથી દહેગામ, નડીયાદ, ડીસા સુધીના કોલ્ડ સ્ટોરેજમાં જવાની ફરજ પડી છે.
મણીપુરકંપાના ખેડૂત પટેલ જીતુભાઇ રવજીભાઇ, પટેલ ગિરિશભાઇ મણીભાઇના જણાવ્યા પ્રમાણે મણીપુરકંપામાં બજારમાં સારી કવોલીટીમાં મળે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે ગેડ તેમજ ૧૦ જેટલા ગ્રેડર મશીન પોતાના ખર્ચે વસાવી સારો ભાવ મળવાની આશા પર પાણી ફળી વળતા આફતના ડુંગરા જેવી પરિસ્થિતી સર્જા‍ઇ રહી છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ગતવર્ષે વેફર્સ બનાવતી કંપનીએ સીધી ખરીદી કરતાં ભાવની સપાટી નહીવત જળવાઇ રહી હતી. ઓણસાલ કંપનીએ સાવ સસ્તા ભાવે માગતા ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજમા મુકવાનો વિચાર કરેલ છે. હવે આવનાર સમયમાં જો ભાવ મળી રહે તેવી આશાથી હાલ જોખમ કરી રહ્યા છે.