અમીરગઢના જેથી નજીક જંગલ કટીંગ કરી કોલસા પડાતાં હોવાની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જેથીના ગ્રામજનોએ જિલ્લા વન અધિકારીની કચેરીએ ઉગ્ર રજૂઆત કરતાં ઉત્તેજના

પાલનપુર : અમીરગઢ તાલુકાના જેથી નજીક આવેલા જંગલમાં કેટલાક શખ્સો દ્વારા જંગલખાતાના અધિકારીઓના મેળાપીપણાથી જંગલ કટીંગ કરવામાં આવી રહ્યું છે. અને તેના લાકડાં તેમજ કોલસા પાડી વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે જેથીના ગ્રામજનો મંગળવારે પાલનપુર ખાતે જિલ્લા વનઅધિકારીની કચેરીમાં ધસી આવ્યા હતા. જ્યાં ઉગ્ર રજૂઆતો કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.

અમીરગઢ તાલુકાના જેથી ગામના રહીશો મંગળવારે પાલનપુર ખાતે જિલ્લા વન અધિકારી કચેરીએ ઘસી આવ્યા હતા. તેમણે લેખિતમાં ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, જંગલમાં આવેલા જંગલખાતાની જમીનમાં આજુબાજુના ગામોના આદિવાસી તેમજ બહારથી આવેલા લોકો દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવ્યું છે. જેઓ વૃક્ષો કાપી તેના કોલસા અને લાકડાઓનો મોટાપાયે વેપાર કરે છે. આ અંગે જંગલખાતાના અધિકારીઓને અગાઉ પણ લેખિતમાં રજૂઆતો કરી છે.

પરંતુ તેમના દ્વારા ખોટા જવાબો આપી અધિકારીઓ ખુદ મેળાપીપણુ રચી દબાણકર્તાઓ પાસેથી નાણાં પડાવી જંગલમાં ખેતી કરાવે છે. લાકડાના કોલસા પડાવી કમિશન બાંધી વેપારીઓ પાસેથી નાણાં લઇ રહ્યા છે. આ ઉપરાંત સરકારી નોકરી કરતાં તેમજ રિટાયર્ડ થયેલા શખ્સો પાસે પોતાની માલીકીની જમીન હોવા છતાં જંગલની જમીનમાં મોટાપાયે દાબણ કરવામાં આવે છે. જેઓ અધિકારીઓને પાર્ટીઓ કરાવી નાણાં આપી હાથ ઉપર રાખે છે. જ્યારે તંત્ર દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

સ્થળ નિરીક્ષણ કરી ઘટતી તપાસ કરાશે :
અમીરગઢના જેથી ગામ નજીક જંગલમાં કેટલાક શખ્સો દ્વારા વૃક્ષોનું કટીંગ કરી જમીનમાં દબાણ કરવામાં આવતું હોવાના ગ્રામજનો આક્ષેપો અંગે સ્થળ નિરીક્ષણ કરી ઘટતી કાર્યવાહી કરાશે. જેમાં ગ્રામજનોનો પણ સાથ-સહકાર લેવાશે.
-ડી.એસ.સોલંકી (સબ ડીએફઓ, જિલ્લા વનઅધિકારી કચેરી, બનાસકાંઠા)