RSBY કાર્ડ ધરાવતી મહિ‌લા પાસેથી ઓપરેશનના નાણા લેતાં તબીબને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લાભાર્થીએ આરોગ્ય વિભાગને રજુઆત કરતા હેલ્થ ઓફીસરે ખેડબ્રહ્માના તબીબને નોટિસ ફટકારી
- અગાઉ પણ આજ પરિવાર પાસેથી પથરીના ઓપરેશન માટે રૂ.૧૮,પ૦૦ લીધા હતા
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આર્થિ‌ક પછાત તથા અંતરિયાળ ગામડાઓમાં રહેતી પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ મફત મળે તે માટે આર.એસ.બી.વાય. યોજના અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ કાર્ડ ધરાવતા લાભાર્થીના પરિવારને તમામ વૈદકીય સારવાર અને ઓપરેશન વિના મૂલ્યે કરવાના હોય છે. તેમ છતાં થોડા સમય અગાઉ ખેડબ્રહ્માના એક તબીબે લાંબડીયાની એક લાભાર્થીનીના ઓપરેશન પેટે રૂ.૨૬,૮૦૦ વસુલ કર્યા હતા. જે અંગે તેણીના પતિએ ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફીસરને જાણ કરતા તેમના દ્વારા ખેડબ્રહ્માના તબીબને નોટિસ આપી ખુલાસો કરવા તાકીદ કરાઇ છે.
લાંબડીયા ગામે રહેતા પ્રજાપતિ અશોકભાઇ છગનભાઇના પત્ની જયોત્સનાબેને ગત તા.૨૮/૮/૧૩ના રોજ ખેડબ્રહ્માના ર્ડા.સી.કે.પટેલ પાસે ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરાવ્યુ હતું. જે દરમિયાન અશોકભાઇએ આર.એસ.બી.વાય.યોજના અંતર્ગત મળેલુ કાર્ડ રજુ કર્યુ હતું. તેમ છતાં તેમની પાસેથી ર્ડા.સી.કે.પટેલે રૂ.૨૬,૮૦૦ ઓપરેશન અને લેબોરેટરી તથા અન્ય ખર્ચ પેટે વસુલ કરાયાનો આક્ષેપ કર્યો છે. દરમિયાન અશોકભાઇને આર.એસ.બી.વાય. યોજનાનો લાભ ન મળતા ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફીસર એચ.એસ.ગઢવીને થોડા સમય અગાઉ લેખિત રજુઆત કરી હતી. ત્યારબાદ બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા ર્ડા.સી.કે.પટેલને નોટિસ આપી લાભાર્થી પાસેથી લેવાયેલા રૂ.૨૬,૮૦૦ અંગે ખુલાસો માંગ્યો છે.
- ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવાનો આગ્રહ રાખ્યો હતો : ડોકટર
લાંબડીયાના અશોકભાઇ પ્રજાપતિએ કરેલા આક્ષેપ અંગે ર્ડા.સી.કે.પટેલે આરોગ્ય વિભાગને નોટિસના જવાબમાં લખી જણાવ્યુ છે કે જયોત્સનાબેનના ગર્ભાશયના ઓપરેશન કરતા અગાઉ કેટલાક ટેસ્ટ કરાવાયા હતા, તેમાં ઓપરેશનની કોઇ જરૂર ન હોવાનું ફલિત થયુ હતું. તેમ છતાં જયોત્સનાબેને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી મેં ફી લીધી હતી અને કોથળી તથા ગાંઠનું ઓપરેશન કર્યુ હતું.
- જયોત્સનાબેનના પતિ શું કહે છે ?
ખેડબ્રહ્માના ડોકટરે જયોત્સનાબેનનું ઓપરેશન કરવા માટે રૂ.૨૬,૮૦૦ લેવાયા છે. જેથી તેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં આર.એસ.બી.વાય.યોજનાના લાભાર્થીઓને અન્યાય ન થાય.
- જિલ્લા કલેકટરને વાકેફ કરી કાર્યવાહી કરાશે
આ અંગે બ્લોક હેલ્થ ઓફીસર એચ.એસ.ગઢવીએ જણાવ્યુ હતું કે લાંબડીયાના બીપીએલ લાભાર્થીએ કરેલી ફરિયાદને આધારે ખેડબ્રહ્માના ડોકટરને નોટિસ અપાઇ છે. તેમજ જરૂર પડે આ અંગે જિલ્લા કલેકટરને વાકેફ કરી ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.