મેઘરજ તાલુકાનો પોલીસ જવાન પાંચ માસથી ગુમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લાના રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતો મોટી પંડુલી ગામનો જવાન માતાના મઢ ખાતે નવરાત્રીમાં બંદોબસ્તમાં ગયા બાદ કોઈ જ પત્તો નથી :કચ્છ પોલીસને અનેક વખત રજુઆત કરાઈ

મેઘરજ તાલુકાના મોટી પંડુલી ગામનો એક યુવાન છેલ્લા ૨૦ વર્ષ ઉપરાંતથી કચ્છ જિલ્લામાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો. આ જવાન રાપર પોલીસ મથકમાંથી ગત નવરાત્રીના સમયગાળા દરમિયાન માતાના મઢ ગામે નવરાત્રી બંદોબસ્તમાં ગયા બાદ આજદિન સુધી ફરજના સ્થળ પર કે પોતાના વતન પણ ન પહોંચ્યો હોવાથી તેના ગુમ થવા અંગે અનેક તર્ક વિતર્ક સાથે પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. કચ્છ પોલીસ પણ પોતાના વિભાગના કર્મચારીના ગુમ થવાથી પરેશાન થઈ ઉઠી છે.

મેઘરજ તાલુકાના મોટીપંડુલી ગામનો નંદુભાઈ કાનજીભાઈ ડામોર છેલ્લા ૨૦ વર્ષથી કચ્છ જિલ્લામાં પોલીસ કોન્સેટબલ તરીકે ફરજ બજાવતો હતો. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પો.કો. તરીકે છેલ્લા કેટલાક વર્ષથી ફરજ બજાવતા નંદુભાઈ ડામોરને ગત નવરાત્રી વખતે કચ્છના આશાપુરા માતાજીના મંદિર માતાના મઢ ખાતે નવરાત્રી બંદોબસ્તમાં ફરજ પર મોકલવામાં આવ્યા હતા. નવરાત્રીના સમયગાળાથી જ નંદુભાઈ ડામોર અચાનક જ લાપતા બની ગયા હતા. પોતાના વિભાગનો પોલીસકર્મી બંદોબસ્ત પૂર્ણ થવા છતાં રાપર પોલીસ મથકે હાજર ન થતાં પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઈ હતી.

નંદુભાઈ ડામોર ગુમ થવા અંગે મોટી પંડુલી ગામે જાણ કરાતાં પરિવારજનો પણ રાપર પહોંચી ગયા હતા. પોલીસકર્મીના પરિવારજનોએ છેલ્લા પાંચ પાંચ માસથી સમગ્ર કચ્છ જિલ્લાને ખુંદી નાખ્યો છે. પરંતુ તેનો કોઈ જ પત્તો મળ્યો ન હતો.

પોતાના પુત્ર અચાનક ગુમ થવા અંગે નંદુભાઈ ડામોરના પિતા કાનજીભાઈ ડામોરે તેમજ નંદુભાઈની પત્ની નિતાબેને કચ્છ જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને વારંવાર રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી તેમનો કોઈ જ પત્તો ન મળતાં નંદુભાઈ ક્યા સંજોગોમાં, કેવીરીતે અને ક્યાં ગુમ થઈ ગયા તે અંગે પરિવારજનોમાં ચિંતા સાથે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. સાથે સાથે પોલીસબેડામાં પણ આ મુદ્દે ભારે ઉથલપાથલ મચી ગઈ છે. અપહરણ, હત્યા કે કોઈ અજુકતું આ પોલીસકર્મી સાથે બનવાની આશંકા વચ્ચે આજે પણ પરિવારજનો પોતાના પર આવી પડેલ વપિત્તિને સાથે રાખી આશાનો દપિ જલાવી રાખી નંદુભાઈ ડામોરની શોધખોળ કરી રહ્યા છે. ઘરડા મા-બાપનો ઘડપણનો સહાયો અને પત્ની તેમજ એકનો એક પુત્ર આજે પણ નંદુભાઈની તસ્વીર જોઈ ચાંધાર આંસુ વહાવી રહ્યો છે.