વિજયનગર તાલુકા પંચાયતની કારોબારી સભા તોફાની બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજીવ ગાંધી નિર્માણ ભવનમાં ગેરરીતિનો કરાયાનો આક્ષેપ
યોગ્ય જવાબ નહિ‌ મળે તો પોલીસ ફરિયાદ કરવાની તાલુકા પ્રમુખની ધમકી


વિજયનગર તાલુકા પંચાયતની ગુરૂવારે યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી. જેમાં રાજીવ ગાંધી ભવનના નિર્માણમાં ગેરરીતિની તપાસ કરવા પ્રમુખ, સત્તાપક્ષ તથા વિપક્ષે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ માગણી કરતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં મનરેગાના કામોની પણ લેખિત માહિ‌તી પુરી પાડવા સભ્યોએ દેકારો મચાવ્યો હતો.

વિજયનગર તાલુકા પંચાયતના બી.આર.જી.એફ. ભવન હોલ ખાતે ગુરૂવારે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં રાજીવ ગાંધી ભવનના નિર્માણમાં ગેરરીતિ, મનરેગા વિકાસના કામો બાબતે સભ્યોએ દેકારો મચાવ્યો હતો. જેમાં સત્તાપક્ષના પ્રમુખ તથા વિપક્ષી સભ્યોએ એકમત બની તાલુકા વિકાસ અધિકારી એ.જે.સોલંકી પાસેથી લેખિત માહિ‌તી માગી હતી. જે અંગે તાલુકા વિકાસ અધિકારી એ.જે.સોલંકીએ માહિ‌તી ન હોવાનું જણાવ્યુ હતું.

મામલો શું છે ?

રાજયમાં રાજીવ ગાંધી નિર્માણ ભવન યોજના હેઠળ ગ્રામ પંચાયત દીઠ આવાસો ઉભા કરવામાં આવી રહ્યા છે. જેમાં વિજયનગર તાલુકામાં પણ આવા ભવનોના નિર્માણ કાર્ય ચાલુ છે. જેમાં ભવન નિર્માણની રાશિ અગાઉથી ઉપાડી લીધી હોવાની ચર્ચા તાલુકા પંચાયત સદસ્યોમાં ચર્ચા થઇ હતી. જે અંગે પૂર્વ કારોબારી અધ્યક્ષ મયુરભાઇ શાહ તથા પ્રમુખ મંજુલાબેન કટારાએ પણ તપાસની માગણી ઉઠાવી હતી. જેને પગલે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

મનરેગાના કામો મંજુર થતા નથી

આ સાથે જ લોકોને રોજગારી આપતી મનરેગા યોજના ચાર મહિ‌નાથી અમલી ન બની હોવાનું ઇશ્વરભાઇ ગામેતી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાબુભાઇ પટેલે જણાવી મનરેગામાં થયેલા કામોની માહિ‌તી માગી હતી.

ટી.ડી.ઓ. શું કહે છે ?

જે અંગે જવાબ આપતા તાલુકા વિકાસ અધિકારી એ.જે.સોલંકીએ જણાવ્યુ હતું કે મનરેગામાં કોઇ લોકો કામ કરવા તૈયાર નથી. જેના કારણે કામો થયા નથી.