• Gujarati News
  • Later The Same Vehicle Make Two Cell Cheated Cheating

એકજ વાહનના બે સેલ લેટર બનાવી ઠગાઈ આચરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના મોટર્સ ડીલર્સના બે ભાગીદારોએ ખોટી આર.સી. બુકો મેળવી વિસનગરના વાહન માલિક સાથે ઠગાઈ
આચરી: ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : બે સેલ લેટર બનાવી હિંમતનગર અને મહેસાણા આરટીઓમાં નોંધણી કરાવી હતી


હિંમતનગર સ્થિત એક મોટર્સ ડીલરના ભાગીદારો દ્વારા પોતાના ફાયદા માટે બોગસ સેલ લેટર, બોગસ દસ્તાવેજો ઊભા કરી એક જ વાહનનું બબ્બે જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવી વાહનની ખોટી આર.સી. બુકો મેળવી વિસનગરના વાહન માલિક સાથે હિંમતનગરની આર.ટી.ઓ. કચેરી સાથે વિશ્વાસઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. હિંમતનગરના ઇન્ચાર્જ આર.ટી.ઓ. અધિકારીએ બુધવારે મોડી રાત્રે શહેરના મોટર્સ ડીલરના બે ભાગીદારો વિરુદ્ધ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો.

હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગરની હરસોલીયા મોટર્સના ભાગીદાર મહમંદરફીક મહંમદઉસ્માન હરસોલીયા અને મોહંમદનૂર વલીમોહંમદ હરસોલીયાએ એક બીજાની મદદગારીથી તા. ૪/૨/૦૮ ના રોજ રૂા.૩,૦૦,૨૭પના ઇનવોઇસ બીલથી વેચેલ ઇન્ડિકા ગાડીને હિંમતનગરના આર.ટી.ઓ. કચેરી ખાતે જીજે.૯.એમ.૮૭૬૧ થી રજીસ્ટ્રેશન કરી નોંધાવી હતી. અને આજ વાહનને નવા વાહન તરીકે ખપાવીને વાહનની વધુ કિંમત ઉપજાવવા કાવતરુ રચ્યુ હતું. જેમાં ખોટા સેલ લેટર અને વધુ રકમનું ઇનવોઇસ બીલ બનાવી તે આધારે મહેસાણાના વિસનગર તાલુકાના કાંસા ગામે રહેતા શ્રીરામભાઇ વિઠ્ઠલદાસ પટેલને વેચી હતી. અને મહેસાણા આર.ટી.ઓ. કચેરી ખાતે બીજીવાર આ વાહનનું જીજે.૨.એસી.૬૧૪૪ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી તે નંબરની ખોટી આર.સી.બુક બનાવડાવી વાહન ખરીદનાર સાથે પણ ખોટા દસ્તાવેજ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

પુરાવાનો નાશ કરવા ખોટી રીતે રીફંડ પણ મેળવ્યું
વાહનની વધુ કિંમત ઉપજાવવાની લ્હાયમાં હરસોલીયા મોટર્સના ભાગીદારે પોતાનું કાવતરુ ઉઘાડું ન પડે તે માટે પ્રથમ વખત ભરેલ ટેક્ષમાંથી રીફંડ મેળવવા મળતીયા મહંમદનૂર હરસોલીયાની મદદથી તેના નામે નોંધાયેલ વાહનનું રજીસ્ટ્રેશન તા.૧૮/૩/૦૮ના રોજ કેન્સલ કરાવવાની કાર્યવાહી કરી હતી. અને પુરાવાનો નાશ કરવાના હેતુથી હિંમતનગર આર.ટી.ઓ. કચેરી ખાતેથી ખોટી રીતે રૂા.૧૪,૪૧૦ નું ટેક્ષ રીફંડ પણ તા.૧૯/૩/૦૮ ના રોજ મેળવી લીધાનું અધિકારીના ધ્યાને આવ્યુ હતું.

હિંમતનગરના આર.ટી.ઓ. દ્વારા ફરિયાદ
હિંમતનગરના ઇન્ચાર્જ આર.ટી.ઓ. તારકકુમાર ઉપાધ્યાયની ઓફિસ રેકર્ડની તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનું રાજ ખુલતા તેમણે બુધવારે મોડી રાત્રે હરસોલીયા મોટર્સના ભાગીદાર મહંમદરફીક મહંમદઉસ્માન હરસોલીયા અને મોહંમદનૂર વલીમોહમંદ હરસોલીયા વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું
રાજયના વાહન વ્યવહાર કમિશ્નરના પત્ર અને સુચનાથી હિંમતનગરના ઇન્ચાર્જ આર.ટી.ઓ તારકકુમાર. એસ.ઉપાધ્યાયે કચેરીનું રેકર્ડ ચેક કરાવતા વાહન નં.જીજે.૯.એમ.૮૭૬૧ના રજીસ્ટ્રેશન માટે સેલ લેટર ફોર્મ નં.૨૧, ફોર્મ નં.૨૨, ફોર્મ નં.૨૦ જોતા વાહન ખરીદનારનું નામ મોહંમદનૂર વલીમોહંમદ હરસોલીયા (ડોઇ સ્ટ્રીટ વ્હોરવાડ,હિંમતનગર) ના નામે ઇસ્યુ થયેલ હતું. ત્યારબાદ આ વાહન હરસોલીયા મોટર્સના ભાગીદાર મહંમદરફીક મહંમદ ઉસ્માન હરસોલીયાની સહીથી વિસનગર તાલુકાના કાંસા ગામે રહેતા શ્રીરામભાઇ વિઠ્ઠલદાસ પટેલના નામનો બીજો સેલ લેટર ઇસ્યુ થયો હતો. અને આ સેલ લેટર ખોટો હોવાનું જાણવા છતાં ભાગીદારોએ બોગસ સેલ લેટર અને ઇનવોઇસ બીલને આધારે તા.૧૧/૩/૦૮ ના રોજ તેજ વાહન પર જીજે.૨.એસી.૬૧૪૪ નો રજીસ્ટ્રેશન નંબર મેળવી મહેસાણા આર.ટી.ઓ. કચેરીની પણ ખોટી આર.સી.બુક બનાવડાવી હતી.

કેવી રીતે કૌભાંડ રચાયું
હિંમતનગરની હરસોલીયા મોટર્સના ભાગીદાર દ્વારા ટાટા કંપનીની ઇન્ડિકા કાર જેનો રજી.નં.જીજે.૯.એમ.૮૭૬૧ ફાળવાયો હતો. જે વાહનનો ભાગીદારો દ્વારા બીજો બોગસ સેલ લેટર બનાવી હિંમતનગર આર.ટી.ઓ. કચેરીથી ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર મેળવી મહેસાણાની આર.ટી.ઓ. કચેરીમાં આ વાહનનો બીજો રજીસ્ટ્રેશન નંબર જીજે.૨એસી.૬૧૪૪ મેળવાયો હતો. અને હરસોલીયા મોટર્સના ભાગીદાર દ્વારા બોગસ દસ્તાવેજોને આધારે એક જ વાહનની બે અલગ અલગ નંબરની આર.સી. બુકો મેળવવામાં આવી હતી.