તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા મનરેગા કૌભાંડ : તંત્ર પુરાવા અને રેકર્ડ હસ્તગત કરવા કામે લાગ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી પેઢીઓના સંચાલકો દ્વારા રૂ.૨.૨૭ કરોડની નાણાંકીય ગેરરીતિ આચરી હતી

ખેડબ્રહ્મા તાલુકામાં મનરેગાના કામોમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને ખાનગી પેઢીઓના સંચાલકો સહિ‌તે રૂા.૨.૨૭ કરોડની નાણાંકીય ગેરરીતિ આચરી સરકારી નાણાં અંગત કામમાં વાપરી નાખવાના મામલે શનિવારે ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણે ભારે ખળભળાટ મચાવી દીધો છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઉચાપત કરનાર વિરુદ્ધ ફરિયાદ થયા બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું તંત્ર પુરાવા રેકર્ડ હસ્તગત કરવાની કવાયતમાં લાગ્યુ હતું.

ગાંધીનગર (મનરેગા)ના ગ્રામ વિકાસ કમિશ્નરની ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ( ગ્રામ વિકાસ શાખા) વિભાગનું વર્ષ ૨૦૧૧ તથા ૨૦૧૨ ના રેકર્ડની તપાસણી કરતા તપાસણી દરમિયાન તા.૧૨/૮/૧૧ થી તા.૩૧/૩/૧૨ દરમિયાન કરોડો રૂપિયાની નાણાંકીય ગેરરીતિઓ બહાર આવવા પામી હતી. જેમાં ખેડબ્રહ્મા અને વડાલીના બે તાલુકા વિકાસ અધિકારી, એક નાયબ ઇજનેર સહિ‌ત દસ અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત ચાર ખાનગી પેઢીના સંચાલકોએ એકબીજાની મદદગારીથી ગેરરીતિ આચર્યાનું ખુલવા પામ્યુ હતું.

ખેડબ્રહ્મા તાલુકાના મનરેગાના કામો માટે સંડોવાયેલા કૌભાંડકારોએ ૪૭ વાઉચરો બનાવી આશરે રૂ.૨.૨૭ કરોડની નાણાંકીય ગેરરીતિ આચરી સરકારી નાણાં અંગત કામે વાપરી ઉચાપત કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાનું ગ્રામ વિકાસ કમિશ્નરના ધ્યાને આવતા કમિશ્નરે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનને ફરિયાદ કરાવવા અધિકૃત કર્યા હતા. જેના પરિણામે શનિવારે મોડી રાત્રે મનરેગાના કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું તંત્ર પણ પુરાવા રૂપ રેકર્ડ હસ્તગત કરવાની કવાયતમાં લાગ્યુ હતું.

- મનરેગા કૌભાંડના ભૂતથી તાલુકા પંચાયતમાં ખળભળાટ

ખેડબ્રહ્મા તાલુકામાં મનરેગા કૌભાંડનું ભૂત જાણે અવિરત ધૂણી રહ્યુ હોય તેમ આ કૌભાંડને કારણે તાલુકા પંચાયતની તમામ શાખાઓની કામગીરી પર પણ માઠી અસર પડી રહી છે. કૌભાંડને પગલે તાલુકા પંચાયતની રાજકીય અને વહીવટીય સ્થિતિ પણ ડામાડોળ બની રહ્યાની અનુભૂતિ તાલુકાની પ્રજા કરી રહી છે.

- ઉચ્ચ અધિકારીઓની ટીમ હજુ તપાસ અર્થે આવશે

ખેડબ્રહ્મા તાલુકામાં ચાલતા મનરેગાના કામોમાં થયેલી ગેરરીતિની ઝીણવટ ભરી તપાસ કરવા આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ સાબરકાંઠાની મુલાકાત લેનાર હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

- ૧૪ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

રૂ.૨.૨૭ કરોડની નાણાંકીય ગેરરીતિ અને ઉચાપત સંદર્ભે દસ સરકારી કર્મચારીઓ ઉપરાંત ચાર ખાનગી પેઢીના સંચાલકો વિરુદ્ધ ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ મદદનીશ પ્રાયોજના અધિકારીએ શનિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.