• Gujarati News
  • In Three Road Accidents In Sabarkantha District, Injuring 16 People Strategies

સાબરકાંઠા જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં ૧૬ વ્યક્તિઓને ઈજા પહોંચી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકામાં બે અને ઈડર તાલુકામાં એક અકસ્માત

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઈડર તાલુકામાં ગુરુવારે વાહન અકસ્માતના બનેલા ત્રણ બનાવોમાં ૧૬ જણાને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર અને ઈડર સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

ઈડર તાલુકાના દરામલી નજીક થયેલા અકસ્માતની વિગત એવી છે કે, ગુરુવારે બપોરે દરામલી નજીકથી ખેડા જિલ્લાના મહુધા ગામના અને નડિયાદ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પટેલ પરિવાર સાથે ટવેરા ગાડીમાં અંબાજીથી પરત આવતા હતા, ત્યારે સામેથી આવતી ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવીંગ કરતા અશોકભાઈએ રોડની સાઈડમાં કારને ઉતારી લીધી હતી. જેથી તે કાર પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ઉર્વશીબેન પટેલ, ક્રિષ્નાબેન પટેલ, શ્યામભાઈ પટેલ, કૈલાશબેન સુખડીયા, મીનાબેન સુખડીયા અને કમળાબેન પટેલ સહિ‌ત છ જણાને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ૧૦૮ મારફતે ઈડરની સિવીલ હોસ્પિટલમાં લવાયા હતા.

બીજા બનાવની વિગત એવી છે કે હિંમતનગરના મહાવીરનગરથી કાંકણોલ જતા રોડ પર હિંમતનગરથી ગાંભોઈ જતી રિક્ષા અચાનક પલટી ખાઈ જતાં ભિલોડાના મણીબેન મોતીભાઈ ચામઠા, પારૂલબેન ચામઠા, અને વર્ષાબેન ચામઠાને ઈજા થતાં તેમને હિંમતનગર સિવીલમાં લવાયા હતા.

તે જ પ્રમાણે હિંમતનગર ઈડર રોડ પર આવેલા તેજપુર નજીક પસાર થતી જીપનું ટાયર ફાટી જતાં તે પલટી મારી ગઈ હતી. જેના કારણે જીપમાં બેઠેલા પ્રવિણભાઈ દરજી, પુષ્પાબેન દરજી, વાલીબેન પરમાર, બાલાભાઈ પરમાર સહિ‌ત સાત જણાને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હિંમતનગર સિવીલમાં ખસેડાયા હતા.

હિંમતનગર-ઇડર રોડ પર ઉમિયાનગર નજીક જીપ અને મહાવીરનગર-કાંકણોલ રોડ પર રીક્ષા પલટી ખાઇ જતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. તસ્વીર : અશોક રાવલ