શહેરની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી હૂડાની રચના કરવા રજુઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરના વિકાસ માટે એફ.એસ.આઇ.માં વધારો કરવો જરૂરી
- બિલ્ડર્સ એસો.:જિલ્લા કલેકટર અને ડી.ડી.ઓ.ને
આવેદનપત્ર અપાયું

હિંમતનગર શહેરમાં વસ્તીની ગીચતા અને હયાત જમીનને ધ્યાનમાં રાખી એફ.એસ.આઇ.માં વધારો કરી વર્ટીકલ વિકાસને પ્રોત્સાહન આપવાની માગણી બિલ્ડર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. હૂડામાં હિંમતનગર શહેર સહિ‌ત ૧૧ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હૂડાની રચના કરવા અંગે એન્જીનીયર્સ, બિલ્ડર્સ અને એસ્ટેટ બ્રોકર એસોસીએશને જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

હિંમતનગર શહેરમાં ઓકટોમ્બર ૨૦૧૨ થી જાહેરનામુ પ્રસિધ્ધ કરીને હૂડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી કેટલીક કામગીરી અને નિર્ણયોને કારણે શહેરના વિકાસને માઠી અસર પહોંચી રહી હોવાનું લોકોમાં ચર્ચાય છે. હૂડાની રચના બાદ શહેરનો વિકાસ નકશો કેવો હશે તેની ચર્ચા પણ પ્રજામાં જોવા મળી રહી છે ત્યારે એન્જીનીયર્સ, બિલ્ડર્સ અને એસ્ટેટ બ્રોકર એસોસીએશનના પ્રતિનિધિઓએ હૂડાની રચના ઝડપથી કરવામાં આવે તેવી માગણી કરી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.

રજુઆતમાં તેમણે જણાવ્યુ છે કે હિંમતનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટીપી લાગુ કરવામાં આવી હોવા છતાં તેવા વિસ્તારોમાં બાંધકામની મંજુરીઓ લાગુ કરેલા હૂડાના નિયમોને કારણે મળી શકતી નથી. શહેરમાં નવા બાંધકામ માટેની મંજુરીઓ માત્ર ૧પ દિવસમાં મળવી જોઇએ. અમદાવાદ મહાનગરપાલિકા અને ઓડા.ની સરખામણીમાં હિંમતનગર શહેર ખૂબ જ નાનુ છે ત્યારે જી.ડી.સી.આર.ના નિયમોની નકલ કરવાના બદલે શહેરની સાચી ભૌગોલિક પરિસ્થિતિ અને બિનખેતીના પ્લાન, પ્લોટોના ક્ષેત્રફળ, હયાત રસ્તાઓની પહોળાઇ અને બાંધકામને ધ્યાનમાં રાખી જરૂરી સુધારા કરવા જોઇએ.

હિંમતનગર નગરપાલિકા સહિ‌ત ૧૧ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરી હૂડાની રચના કરવામાં આવનાર છે ત્યારે વસ્તીની ગીચતાને ધ્યાનમાં રાખી એફ.એસ.આઇ. વધારીને વર્ટીકલ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે તો ખેતીની જમીનને બચાવી શકાશે. એફ.એસ.આઇ. ૧:૧.૨ થી વધારીને ૧.:૨.૨પ થી વધુ સુધીનો સુધારો કરવો જરૂરી છે.