હિંમતનગરમાં ત્રણ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-મોડાસામાં ૪, બાયડમાં ૧.પ પ્રાંતિજમાં-૧ ,તલોદમાં-૧ ઇંચ, વિજયનગરમાં અડધો ઇંચ વરસ્યો
-
સારદાકુંજ,શુભ ટેનામેન્ટ વગેરે સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશોને હાલાકી, હિંમતનગરથી અંબાજી જવાના રોડ પર ન્યાય મંદિર પાસે ટ્રાફિક જામ
-
શહેરમાં વીજળી ડુલ થતાં લોકો પરેશાનીમાં મુકાયા

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે વાતાવરણમાં આવેલા પલટાને લઇ હિંમતનગર પંથકમાં સાંજે ત્રણ કલાકમાં ૬ ઇંચ અને ગાંભોઇ, પ્રાંતિજ અને તલોદ પંથકમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં સાંજે સાડા પાંચથી સાડા આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન મેઘરાજા ધોધમાર વરસતાં થોડાક સમયમાટે વિજળી ડુલ થઇ જતાં અંધારપટ છવાયો હતો. જ્યારે શહેરના મહાવીરનગર તરફ જવાનો રસ્તો અને નીચાણવાળા શ્રીનગર,શાંતિનગરસ સારદાકુંજ,શુભ ટેનામેન્ટ સહિ‌ત નીચાળવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તેમજ હિંમતનગરથી અંબાજી જવાના રોડ પર ન્યાય મંદિર પાસે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.મોડાસામાં મોડીસાંજ સુધી ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદે પાકને જીવતદાન આપ્યુ છે ત્યારે ત્રણેક દિવસ અગાઉ વરસાદના રાઉન્ડે જગતના તાતને ખુશ ખુશાલ કરી દીધો હતો. દરમિયાન સોમવારે સવારથી જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. જેના કારણે પ્રાંતિજ, તલોદ સહિ‌તના અન્ય સ્થળે સવારથી જ વરસાદના ઝાપટા શરૂ થયા હતા. દરમિયાન હિંમતનગર, ગાંભોઇ, રાયગઢ, પેઢમાલા, રૂપાલ અને નિકોડા સહિ‌તના અન્ય વિસ્તારોમાં સાંજે પ થી ૬ દરમિયાન જોરદાર ગાજવીજ સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેના કારણે એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો. હિંમતનગરમાં સાંજે સાડા પાંચથી સાડા આઠ વાગ્યા સુધી માત્ર ત્રણ જ કલાકમાં ૬ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવનને અસર થવા પામી હતી.
આગળ વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો