(લાભાર્થીઓને રાજ્યમંત્રીના હસ્તે સહાય ચેક અપાયા)
-ગરીબોના દ્વારે જઇ સ્વમાન ભેર સહાય દેશમાં માત્ર ગુજરાત રાજય ચૂકવે છે :રાજયમંત્રી
મોડાસા: મોડાસા ખાતે પ્રાન્ત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાતા મોડાસા,મેઘરજ અને ભિલોડા તાલુકાઓના 9107 લાભાર્થીઓને રૂપિયા 1009.78 લાખની સ્થળ ઉપર સહાય ચૂકવાઇ હતી. અરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા ખાતેના જીલ્લા સેવાસદન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પ્રાંતકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્દઘાટન રાજયના પશુપાલન મંત્રી બચુભાઇ ખાબડે દીપ પ્રગટાવી કર્યુ હતું.
મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજય છે કે જયાં ગરીબોના દ્વારે જઇ સરકાર દ્વારા સ્વમાનભેર સહાય ચૂકવાય છે. રાજય સરકારે નારી શક્તિને વિકાસની સમાન ભાગીદારી ગણી દૂધ મંડળીઓ રચીને પગભર કરવાનો નિર્ણય કર્યો છે. રાજયમાં શૌચાલયના અભાવે ગામડાની બહેન-દીકરીઓને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે સરકાર દ્વારા અનેકવિધ ઝુંબેશો, અભિયાનો હાથ ધરવામાં આવી રહયા છે.
અરવલ્લી જીલ્લા કલેકટર બીપીનકુમાર ભટ્ટે ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન દ્વારા સરકારના સાતત્યપૂર્ણ વહીવટની પારદર્શિતાની પ્રતિતિ થતી હોવાનું જણાવી આ જનઆંદોલન અભિયાનમાં તમામે સહભાગી બની આર્થિક,સામાજીક સશક્તિકરણને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો.
મોડાસા,મેઘરજ અને ભિલોડા તાલુકાના 9107 લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા દ્વારા રૂપિયા 1009.78 લાખની સહાય ચૂકવાઇ હતી. આ પ્રસંગે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ચેરમેન પૂંજાજી ઠાકોર, ગુડાના ચેરમેન અશોકભાઇ ભાવસાર,જીલ્લા પંચાયત પ્રમુખ હેમલત્તાબેન પટેલ,સાંસદ દિપસિંહ રાઠોડ,ડીડીઓ નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જીલ્લા ભાજપાના પ્રમુખ ભરતસિંહ રહેવર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.