૫૦ ફુટનું અંતર કાપતાં પાંચ જીંદગીઓ હોમાઇ: સૌ કોઇની આંખો આંસુથી ઉભરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: પાંચ મૃતકોને અગ્નિદાહ અપાયો, આખું ગામ હિબકે ચઢ્યું)

- ૫૦ ફુટનું અંતર કાપતાં પાંચ જીંદગીઓ હોમાઇ: તંત્રની નિષ્ફળતા બદલ રોષ વ્યક્ત કરાયો
- મોડાસાની સાકરી નદીના ઉંડા પાણીમાં ડૂબેલા ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચ જણાની લાશોને અગ્નિદાહ અપાયો
- સ્થાનીક તંત્રની નિષ્ફળતા બાદ અમદાવાદ ફાયર બ્રીગેડની મદદથી બે મૃતદેહો બહાર કઢાયા

મોડાસા: ગુરુવારનો દિવસ ડુઘરવાડા ગામની સીમમાં રહેતા ભરવાડ પરીવારો માટે ગોઝારો નીવડ્યો હતો. ભરવાડ કોમના ત્રણ બાળકો અભ્યાસ માટે ઉત્સુક હતા અને દૂરની શાળાએ વિદ્યા મેળવી ઘરે પરત ફરી રહ્યા હતા અને રોજના રસ્તાઓએ દગો દીધો. મા જેવી સાકરી નદી વેરણ બની અને જોતજોતામાં સાંકળી નદીના ભારે વહેણમાં પાંચ જીંદગી મોતમાં પરીણમી. ડૂબતા બાળકોને બચાવા પડેલા બે જણાઓની લાશ ઘટનાના ત્રણ કલાકે અને એકની લાશ સાડા ચાર કલાક બાદ ભારે મથામણના અંતેચાંદ ટેકરીના યુવાનોએ નદીમાંથી બહાર કાઢી હતી. એક સાથે પાંચ જીંદગીઓ હોમાઇ ગઇ હોવા છતાં અરવલ્લી જીલ્લા વહીવટીતંત્રના અધિકારીઓના પેટનું પાણી નહીં ફરક્તાં મૃતકોના સ્વજનોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો. માત્રને માત્ર ચાંદ ટેકરીના મુસ્લીમ યુવકો મૃતકોને શોધવા મથામણ કરી રહ્યા હતા અને ટાઉન પોલીસ સહિતની જીલ્લા પોલીસની ટીમો ખડેપગે સ્થિતિ ઉપર નજર ટેકાવી રાખી હતી.

રોષે ભરાયેલા 500થી વધુ લોકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ કે તેમની રેસ્ક્યુ ટીમ, બાહોશ તરવૈયાઓ કે બોટ સહિતની અન્ય સવલતો ઘટનના ૧૫ કલાક બાદ પણ નહી જોવા મળતાં મૃતકોના સ્વજનો અને ગ્રામજનોમાં ભારે ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. નદીમાં ડૂબેલા બે બાળકોની લાશ કાઢવામાં તંત્ર નિષ્ક્રય રહેતા રોષે ભરાયેલા ૫૦૦થી વધુ લોકો અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને તંત્ર દ્વારા યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરી નદીમાં ખૂંપેલી લાશો બહાર કાઢવા લાચારીવશ આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી. અંતે અમદાવાદ ફાયર બ્રીગેડની ટીમે બે મૃત બાળકોના મૃતદેહો બહાર કાઢતાં શુક્રવારે પાંચે મૃતકોને અગ્નિદાહ અપાયો ત્યારે સૌ કોઇની આંખો ઉભરાઇ હતી.

અરવલ્લીનું વહીવટીતંત્ર કાર્યવાહીમાં અસહાય

સાકરીનદીમાં પાંચ ડૂબ્યા અને મોતને ભેટયા ની ગોઝારી ઘટના બાદ મૃતકોની લાશો નદીમાંથી બહાર કાઢવામાં તંત્ર અસહાય નીવડ્યું હતું. ઘટના સ્થળ ઉપર આખી રાત નદી કીનારે બેસી રહેલા મૃતકોના સ્વજનો અને આસપાસના ગ્રામજનોના જણાવ્યા મુજબ નદીમાં ડૂબી મોતને ભેટલાઓની લાશોને બહાર કાઢવા માત્ર ચાંદટેકરી ના મુસ્લીમ યુવાનોએ જહેમત ઉઠાવી છે.તંત્રના અધિકારીઓ પાસે કોઇ સાધન-સહાય ન હોવાથી સમય જતાં અધિકારીઓ રવાના થઇ ગયા હતા.

આ વાંચો: અમદાવાદ ફાયર બ્રીગેડ દ્વારા બે લાશ બહાર કઢાઇ, ડુઘરવાડા ગામના સ્મશાનમાં પાંચેય મૃતકોને અગ્નિદાહ અપાયો

તસવીરો: રાકેશ પટેલ, મોડાસા