પીપરાણાની વાત્રક નદીમાંથી બે પ્રેમીપંખીડાંની લાશ મળતાં ચકચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હત્યા કે આત્મહત્યા ? ઘૂંટાતું રહસ્ય : બંનેના લગ્ન થવાના હતા

માલપુર તાલુકાના પીપરાણા ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાંથી શુક્રવારે મોડી સાંજે એક પ્રેમીપંખીડાની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આગામી દિવસોમાં યુવક અને યુવતી લગ્ન કરવાના હતા. ત્યારે એક સાથે બંનેની લાશ મળી આવતાં પ્રેમી પંખીડાએ કેમ આવું પગલું ભર્યું છે તેની પાછળ રહસ્યના જાળા ગુંથાઈ રહ્યા છે.

આ અંગે માલપુર પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માલપુર તાલુકાના ચોરીવાડ ગામના મોતીભાઈ વાલાભાઈ વાદીનો પુત્ર અભાભાઈ ઉ.વ.૨૩ તથા મોડાસા તાલુકાના ખડોદા ગામના માનસીંગભાઈ લાલાભાઈ વાદીની પુત્રી જ્યોત્સના ઉ.વ.૨૦ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતાં લગ્ન કરવાનું નક્કી થયું હતું.દરમિયાન બીજી તરફ અભાભાઈ છેલ્લા કેટલાક દિવસોથી જ્યોત્સનાના ઘરે જ ખડોદા ખાતે આવી સાથે રહેતો હતો. ચાર દિવસ અગાઉ યુવક તથા યુવતી ખડોદાથી ચોરીવાડ આવવા નિકળ્યા હતા.

દરમિયાન શુક્રવારની મોડી સાંજે બંને યુવક યુવતીની લાશ પીપરાણા ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાંથી ફોગાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી.ત્યાર બાદ પોલીસે બંને લાશનો કબજો મેળવી મોતનું કારણ જાણવા પીએમ માટે મોકલી આપી હતી. બીજી તરફ મૃતક યુવકના ભાઈ ફતાભાઈ મોતીભાઈ વાદીએ આ અંગે માલપુર પોલીસને જાણ કરતાંપોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં વાદી સમાજના લોકો માલપુર પોલીસ સ્ટેશમાં ઉમટી પડયા હતા.