તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૂડાની રચના બાદ હિંમતનગરનો વિકાસ પ્લાન ક્યારે તૈયાર થશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરના બાંધકામ ક્ષેત્રમાં આવેલી મંદી માટે હૂડા જવાબદાર બનશે
- મહેકમ નક્કી થયુ હોવા છતાં સ્ટાફની ભરતી થઇ નથી : આઉટર્સોસીગ એજન્સી મારફતે ઝડપી કામગીરી કરી શકાય


સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમતનગર શહેરનો વિકાસ ઝડપથી થાય તે માટે આસપાસની ૧૧ ગ્રામ પંચાયતોને ભેળવી હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે હૂડાની રચના કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી આગળ ન થતા શહેરમાં બાંધકામ ક્ષેત્રે મંદીનો માહોલ સર્જા‍યો છે, સાથે સાથે હૂડાની રચના બાદ શહેરનો વિકાસ પ્લાન તૈયાર થશે કે કેમ? તેની સામે સ્થાનિક નગરજનોમાં અનેક પ્રકારની શંકાકુશંકાઓએ ચર્ચાનું જોર જગાવ્યુ છે.

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ, હિંમતનગર શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા પહોળા કરી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટેનો પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. શહેરની વધતી જતી વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઇ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા હિંમતનગર નગરપાલિકા વિસ્તારની સાથે સાથે આસપાસની ૧૧ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી હૂડાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતું. ચૂંટણી આચારસંહિ‌તા અને અધિકારીઓની બદલીઓના દોર વચ્ચે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવતી હોય તેમ ફાઇલો માત્ર એક ટેબલ પરથી બીજા ટેબલ પર જતી હોય તેમ લાગે છે.

નવા ટીપીડીપી વિસ્તારોના વિકાસ પ્લાન તૈયાર કરવા માટે ખાનગી એજન્સીની નિમણુક માટેની કાર્યવાહી અંગે અવારનવાર વિચારણા કરવામાં આવી હતી અને તત્કાલિન સમયે જિલ્લા કલેકટર દ્વારા હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અગાઉ મંજુર થયેલી ટીપીડીપી વિસ્તારમાં નવા બાંધકામ કરવા માટેની મંજુરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા વિસ્તારમાં નવા બાંધકામ માટેની મંજુરી લેવા માટે આવતા અરજદારને પરત જવુ પડે છે. હૂડાની રચના બાદ શહેરનો વિકાસ પ્લાન કયારે તૈયાર થશે તેની ઇન્તેજારી સ્થાનિક બિલ્ડરલોબીને થઇ રહી છે.

- મહેકમ મંજુર પરંતુ ભરતી કયારે

શહેરી વિકાસ મંત્રાલય દ્વારા હૂડાની જાહેરાત બાદ વિવિધ વિભાગોની કામગીરી માટે જરૂરી અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુક માટેનું મહેકમ મંજુર કરવામાં આવ્યુ હતું. પરંતુ છેલ્લા છ માસથી સ્થાનિક કર્મચારીઓને જવાબદારી સોપી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હૂડા માટે મંજુર થયેલ મહેકમની ભરતી ઝડપથી પૂર્ણ થાય તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.

- હૂડાની કામગીરી પ્રગતિમાં છે: જિલ્લા કલેકટર

આ અંગે જિલ્લા કલેકટર બંછાનિધિ પાનીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે હૂડાની કામગીરી પ્રગતિમાં છે અને નવા વિસ્તારોની ટીપીડીપી બનાવવા માટેનું આયોજનબધ્ધ કામ ઝડપથી શરૂ કરવામાં આવશે. હૂડાની કામગીરી આઉટ સોસીર઼્ગથી કરી શકાય કે કેમ તે અંગેની પણ વિભાગની મંજુરી લેવા માટેના પ્રયાસ કરાશે.

- ગ્રામ પંચાયતોમાં રજાચિઠ્ઠી કયારે મળશે

ગ્રામ પંચાયત વિસ્તારોમાં જૂના એન.એ. થયેલા વિસ્તારોમાં પણ બાંધકામની રજાચિઠ્ઠી ન મળતા પ્લોટ ધારકો પોતાનું મકાન કયારે બનશે તેની રાહ જોઇને બેઠા છે ત્યારે ગ્રામ પંચાયતો રજાચિઠ્ઠી આપવાની સત્તા આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજામાં માંગ ઉઠી છે.