૧૨મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાબર ડેરીનો સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(આનંદીબેનની ફાઈલ તસવીર)
-રૂ.૮૦ કરોડના ખર્ચે ડેરીમાં યુએચટી મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાની અગ્રીમ સહકારી સંસ્થા સાબરડેરીના પ૦ વર્ષ પૂર્ણ થતાં આગામી શુક્રવારે રાજયના મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતી ઉજવણી સમારોહ ડેરીના પરિસરમાં યોજાનાર છે. આ પ્રસંગે સાબરડેરીમાં રૂ.૮૦ કરોડના ખર્ચે દૈનિક ૩ લાખ લિટર દૂધ પેકીંગ કરવાની ક્ષમતા ધરાવતા અલ્ટ્રા હાઇટ્રીટેડ મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના વરદ્ હસ્તે કરાશે.

સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પી.પટેલે જણાવ્યુ હતું કે સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સાથે ગૌરવ સમાન સાબરડેરીને પ૦ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તેની સ્વર્ણિમ જયંતીની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે માસથી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શુક્રવારે સાબરડેરીના પરિસરમાં સવારે ૯-૩૦ કલાકે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી થશે. જેમાં રાજય સરકારના મંત્રીઓ નિતીનભાઇ પટેલ, રમણલાલ વોરા, બાબુભાઇ બોખીરીયા, રજનીકાન્ત પટેલ, પ્રદીપસિંહ જાડેજા, શંકરભાઇ ચૌધરી, સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વિવિધ ડેરીઓના ચેરમેન પરથીભાઇ ભટોળ, વિપુલ ભાઇ ચૌધરી, રામસિંહ પરમાર, જીસીએમએમએફના એમ.ડી. આર.એસ.સોઢી સહિ‌ત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.

દૂધ ઉત્પાદકોને ૧ ટકાના ભાવ વધારાની ભેટ
સાબરડેરીના સ્વર્ણિમ જયંતીની ઉજવણી પ્રસંગે જિલ્લાના દૂધ ઉત્પાદકોને વર્ષ ૨૦૧૩-૧૪ના દૂધ જથ્થા પર ૧ ટકાનો ભાવ વધારો ચુકવવાની જાહેરાત કરાશે. જે ભાવ વધારો દૂધ ઉત્પાદકોને દસમા મહિ‌નાની સમાપ્તિ પહેલાં ચુકવાઇ જશે તેમ સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલે જણાવ્યુ હતું.