• Gujarati News
  • Books Scam After Bogus Teacher Recruitment In Himmatnagar

હિંમતનગર: બોગસ શિક્ષક ભરતી પછી પુસ્તક કૌભાંડ, શિક્ષણાધિકારી અને ક્લાર્ક સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધોરણ-9ના ગણિત-વિજ્ઞાનના 516 શાળાઓના પુસ્તકો બારોબાર વેચી દેવાયાની શંકા: તપાસનો આદેશ આપનાર શિક્ષણાધિકારી અને ક્લાર્ક સસ્પેન્ડ
- પુસ્તક નહીં મળતાં વાલીઓની રજુઆત પછી શિક્ષણાધિકારીએ તપાસ સમિતિનો અહેવાલ કમિશ્નરને મોકલ્યો
- સિનીયર કલાર્કે પુસ્તક વિતરણનું રજીસ્ટ્રર નિભાવ્યુ ન હતું
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં બોગસશિક્ષક ભરતી કૌભાંડ પછી હવે પુસ્તક કૌભાંડ પણ બહાર આવ્યું છે. તો બીજી તરફ પુસ્તકો નહીં મળતાં વિદ્યાર્થીના વાલીઓની રજુઆત પછી એવી આશંકા સેવાઇ રહી છે કે, કચેરીના ક્લાર્કે પુસ્તક વિતરણનું રજીસ્ટ્રર નહીં નિભાવીને પુસ્તકો બારોબાર વેચી દીધા છે. તપાસ સમિતીના અહેવાલનેશિક્ષણ કમિશ્નરને મોકલી અપાયો છે. મોડી સાંજે મળતી વિગતોમાં તપાસનો આદેશ કરનારશિક્ષણાધિકારીની શિક્ષણ સહાયક ભરતી કૌભાંડમાં સંડોવણી ખુલતાં સસ્પેન્ડ કરી દેવાયા છે. અન્ય એક તપાસ સમિતિના સભ્યને પણ સસ્પેન્ડ કરાયા છે.
રાજય સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો વિના મૂલ્યે આપવા માટેની યોજના અમલી બનાવી છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પુસ્તકોનું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની માધ્યિમક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને આપવાને બદલે બારોબાર વેચી દેવાયા હતા. જે અંગે થોડા દિવસ અગાઉ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ શિક્ષણાધિકારીએ ત્રણ સભ્યોની તપાસ સમિતિ નીમી હતી. જેનો અહેવાલ આવી જતા સોમવારે તેમણે સમગ્ર અહેવાલ શિક્ષણ કમિશ્નરને મોકલી આપ્યો છે. જેમાં અનેક ક્ષતિઓ બહાર આવી હોવાનું જણાવાયુ છે.
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પુસ્તકોના વિતરણની જવાબદારી સંભાળતા શિક્ષણાધિકારી કચેરીના સિનીયર કલાર્ક ભરત પંડિતે પુસ્તક વિતરણનું રજીસ્ટ્રર નિભાવ્યુ ન હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું અને ગાંધીનગર સ્થિત પાઠયપુસ્તક મંડળમાંથી આવેલા લાખ્ખો રૂપિયાના પુસ્તકો ટ્રકોમાં મંગાવી બારોબાર વેચી દેવાયાની શંકા દર્શાવાઇ રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલી 516 શાળાઓમાં ધોરણ-9 માં ભણતા વિદ્યાર્થીઓને દીવાળી પછી શરૂ થયેલ સેમિસ્ટર-2 ના ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોનું વિતરણ શિક્ષણાધિકારી કચેરીના માધ્યમથી કરવાનું હતું.
પરંતુ પુસ્તકો ન મળતા તે અંગે વાલીઓ અને અનેક વિદ્યાર્થીઓએ શિક્ષણાધિકારી કચેરીમાં રજુઆત કરી હતી. ત્યારબાદ શિક્ષણાધિકારી વિષ્ણુભાઇ ચૌધરીએ ત્રણ અધિકારીઓની કમિટી રચી હતી. જેનો અહેવાલ આવી જતા તરત જ તેની લેખિત જાણ સોમવારે શિક્ષણ કમિશ્નરને કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે, બોગસશિક્ષક ભરતી કૌભાંડમાં શાળાના સંચાલકો સહિત બોગસશિક્ષકો મળી 38 સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. ત્યારે ફરી પુસ્તક કૌભાંડમાં કોણ જવાબદાર હશે તે ચર્ચાસ્પદ બન્યું છે.
પુસ્તકો વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપવાના હતા
પાઠયપુસ્તકના વિતરણમાં થયેલી ગેરીરીતિઓ અંગે થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિક્ષણાધિકારી વિષ્ણુભાઇ ચૌધરીને કરેલી રજુઆત બાદ તેમણે ત્રણ અધિકારીઓની તપાસ સમિતિ રચી હતી અને તેનો અહેવાલ સોમવારે બપોરે ગાંધીનગર મોકલી આપ્યો હતો. ત્યારબાદ સાંજે તેઓ શિક્ષણ સહાયક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા હોવાથી તેમને તથા કચેરી અધિક્ષક ડી.કે.પાંડોર (તપાસ સમિતિના સભ્ય) ને શિક્ષણ કમિશ્નરના આદેશ બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે.
કેટલી શાળાઓમાં પુસ્તકો આપવાના હતા
પાઠયપુસ્તક મંડળ દ્વારા સાબરકાંઠાની 266 અને અરવલ્લી જિલ્લાની 250 શાળાના ધોરણ-9 માં ભણતા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના બીજા સેમિસ્ટરના પુસ્તકો વિના મૂલ્યે આપવાના હતા.
તપાસ કોણે કરી
પાઠયપુસ્તક વિતરણમાં થયેલી ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરેલી રજુઆત બાદ શિક્ષણાધિકારીએ તેની તપાસ શિક્ષણ નિરીક્ષક સ્મિતાબેન પટેલ, કચેરી અધિક્ષક ડી.કે.પાંડોર અને મદદનીશ જી.કે.ભરવાડે કરીને તેનો અહેવાલ સુપ્રત કર્યો હતો.
હવે જીપીએફ કૌભાંડનો વારો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિવિધ શાળાઓમાં ફરજ બજાવી નિવૃત થયેલા અંદાજે 460 થી વધુ નિવૃત કર્મચારીઓને વર્ષ 2008 થી આજદિન સુધી જીપીએફના નાણાં મળ્યા નથી, જેનું ઓડિટ પણ થયુ નથી, તેના કારણે આ નિવૃત કર્મચારીઓએ અનેક વખત શિક્ષણાધિકારી કચેરીના પગથિયા ઘસી નાખ્યા હોવા છતાં હક્કના નાણાં મળ્યા નથી. તેથી જીપીએફમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.