બાયડના ડાભા પુલનો સ્લેબ દબાતાં અમદાવાદ તરફી ટ્રાફિક બંધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડના ડાભા પુલનો સ્લેબ દબાતાં ટ્રાફિક બંધ
વાત્રક નદી પર બંધાયેલા વર્ષો જૂના પુલનાં ગડરોમાં તિરાડો પડતાં સ્લેબ દબાયાનુ પ્રાથમિક તારણ : બાયડ-અમદાવાદ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઇ પડયો
પ્રાંત,મામલતદાર,આર એન્ડ બી, પોલીસની ટીમો સ્થળ ઉપર દોડી પહોચી
બાયડ તાલુકાના ડાભા ગામ પાસે આવેલા તથા બાયડ દહેગામ મુખ્ય હાઇવે ઉપર આવેલા વિશાળ પુલના મધ્યનો ભાગ અચાનક જ દબી જતા દોડધામ મચી જવા પામી હતી. આ મામલે જાણ થતા તંત્ર સ્થળ ઉપર દોડી પહોંચી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. જ્યારે વાહન વ્યવહાર અટકાવાને લઇ મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.
આ અંગે મળેલ માહીતી મુજબ, બાયડ તાલુકાના ડાભા ગામ પાસેથી પસાર થતી વાત્રક નદી ઉપર બાંધવામાં આવેલા વિશાળ પુલ ઉપરથી શનિવાર સવારના સુમારે રમાસ ગામના વિનોદભાઇ પટેલ પસાર થતા હતા તે વેળાએ સ્લેબ દબાયો હોવાની શંકા જતા તેઓએ અનેક જગ્યાએ જાણ કરી હતી. ત્યારે આ બાબતની જાણ વાયુ વેગે પ્રસરતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયુ હતુ. આ મામલાને લઇ બાયડ પ્રાંત અધિકારી સિધ્ધીબેન પટેલ,મામલતદાર સી.બી.પ્રજાપતિ,આર એન્ડ બી ડેપ્યુટી એન્જીનીયર એ.એમ.પટેલ વગેરે ઘટના સ્થળે દોડી પહોચ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ગડરોમાં તિરાડ પડી હોવાને લઇ પુલનો સ્લેબ દબાયો હોવાનુ બહાર આવ્યુ હતુ. જેને લઇ વાહન વ્યવહાર તત્કાળ તંત્રએ ગંભીરતા સમજી બંધ કરાવી દીધો હતો. પુલની બન્ને સાઇડ તંત્રએ આડસો મુકી વાહન વ્યવહાર બંધ કરી અન્ય રૂટ ઉપર ફેરવી દીધો હતો. પુલની મરામત પાછળની તપાસ જરૂરી ડાભા પુલની પાછળ તંત્રએ મરામત માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે તો આ તમામ રૂપિયાઓ કાગળ ઉપર જ ખર્ચાયા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારે જે અધિકારીઓએ તેની મરામત પાછળ કામગીરી કરી હોય તેની તમામ તપાસો ન્યાયીક કરાવવા માટે માંગણીઓ તાલુકા ભરમાંથી ઉઠવા પામી છે.
પ‌શ્ચિ‌મગાળાના સંખ્યાબંધ ગામોને અસર
ડાભા પુલનો સ્લેબ દબવાને લઇ જીતપુર,આંબલીયારા,તેનપુર,ભુડાસણ,વાસણી વગેરે ગામોના હજારો લોકોને સીધી અસર પહોચી છે. રોજીંદા તથા સરકારી કામકાજ માટે બાયડ આવવા હવે તેમને લાંબુ અંતર કાપવાનો વારો આવી ગયો છે.
રૂટ બદલવામાં આવ્યા
સ્લેબ દબવાને લઇ તત્કાળ તંત્રએ બાયડથી રમાસ વાયા આકરૂન્દ થઇ વડાગામનો રૂટ નક્કી કર્યો છે. જ્યારે બાયડ આવવા માટે અમરગઢ પાટીયાથી આકરૂન્દ રોડ થઇ વડાગામ વાયા ધનસુરાથી બાયડ નક્કી કરવામાં આવ્યો છે. આ આવન જાવનના બન્ને રૂટોને લઇ લોકોને અંદાજે ૩૦ કીમી જેટલુ ચક્કર વધારે મારવાનો વારો આવ્યો છે.
ગાંધીનગરથી ટીમો બોલાવવામાં આવી
આ અંગે આર એન્ડ બી ના ડે.એન્જીનીયર એ.એમ.પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ કે ગડરમાં તિરાડ પડવાને લઇ સ્લેબ દબી ગયો છે.આ મામલે તત્કાળ કાર્યવાહી કરી ગાંધીનગર જાણ કરી ડિઝાઇનર તથા સુપ્રિ.એન્જીનીયરને બોલાવવામાં આવ્યા છે.
મોટી દુર્ઘટના ટળી
એક તરફ ક્ર્વારી ઉધોગો બાયડ તાલુકામાં હોવાને લઇ ટ્રકો તથા અન્ય હજારો વાહનો આ પુલ ઉપરથી પ્રતિ દિન પસાર થતા હતા. તંત્રની સમય સુચકતાને લઇ મોટી દુર્ગટના ટળી જવા પામી હતી.
તસવીર-વરૂણ પટેલ