અંગારિક ચોથે ગણેશ મંદિરોમાં ભકતોની ભીડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસામાં સંકષ્ટિ એ ગણપતિ મંદિરોમાં મહાપૂજા, મહાઆરતીના કાર્યક્રમોમાં ભકતો જોડાયા

મોડાસા પંથકમાં મંગળવારે અંગારકી ચોથે ગણેશ મંદિરોમાં ગણપતિદાદાના દર્શન કરવા ભકતોની ભારે ભીડ જામી હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મોડાસાના મનોકામના સિધ્ધિ વિનાયક મંદિરે અંગારકી ચોથે મહાપૂજા યોજાતાં ૮ યજમાનોએ ભાગ લીધો હતો. આ યજમાનો દ્વારા મંદિરના પૂજારી સચીન મહારાજે ભગવાન વિનાયકજીની વિશેષ પૂજા સંપન્ન કરાવી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા ગણેશભકતો ચંદ્ર દર્શન સાથે મહાઆરતીમાં જોડાયા હતા.

સચિન મહારાજના જણાવ્યા મુજબ અંગારકી સંકષ્ટીનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. જે ગણેશભકત વર્ષ દરમ્યાન સંકષ્ટિનું વ્રત કરવા માગતો હોય કે શરૂ કરેલ વ્રત પૂર્ણ કરવું હોય તેઓ માટે અંગારકી સંકટ ચોથ વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષની ૧૨ ચોથ જો તમે કરી શકતા ન હોવ તો પણ માત્ર અંગારકી ચોથનું વ્રત ૧૨ ચોથ જેટલું જ ફળ આપે છે.

પ્રસિધ્ધ શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર મેઢાસણ ખાતે પણ અંગારકી ચોથની ઉજવણી શ્રદ્ધાસુમન પૂર્વક કરાઇ હતી. આ નિમિત્તે મંદિરમાં મહાપૂજા, આરતી અને મહાપ્રસાદનું આયોજન ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

મોડાસાના મનોકામના સિધ્ધિ વિનાયક મંદિરે અંગારિક ચોથ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના રાખવામાં આવી હતી. તસ્વીર : રાકેશ પટેલ