મોડાસા: મધુવન રેસીડેન્સી નજીકની ગટરમાં પડતાં છ વર્ષના બાળકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા: મોડાસાના બાયપાસ રોડ પર આવેલી મધુવન રેસીડેન્સી પાસેની ખુલ્લી ગટરમાં છ વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં કરૂણ મોત નિપજ્યું હતું. માસુમ બાળકના પિતા જમ્મુ-કાશ્મીર ખાતે લશ્કરમાં ફરજ બજાવે છે. જેમનો એકનો એક પુત્ર મોતને ભેટતાં રાઠોડ પરિવારના માથે આભ ફાટ્યું હતું.  મૂળ ધનસુરાના બીલવણીયાના વતની અને જમ્મુ-કાશ્મીરના લેહ ખાતે ફરજ બજાવતાં રમેશચંદ્રભાઇ રાઠોડનો પુત્ર ચિન્ટુ ઉર્ફે શેમીલ (ઉ.વ. 6)ને ઉચ્ચ અભ્યાસ મળી રહે તે માટે મોડાસાની મધુવન રેસીડેન્સી ખાતે પરિવાર સાથે સ્થાયી થઇને પરિવારને મોડાસા ખાતે મૂકી જવાન હાલ જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવી રહ્યા છે. 


શેમીલ અને તેની બહેન રમતાં હતા ત્યારે સાંજના ચાર  વાગ્યાના સમયે બાળક અચાનક ઢાંકણ વિનાની ગટરમાં પડી જતાં તેની બહેન ઘરે દોડી જઇને ભાઇ ગટરમાં પડ્યો હોવાની તેની મમ્મીને જાણ કરતાં તેની મમ્મીએ ભારે આક્રંદ સાથે ચિચીયારીઓ કરી મૂક્તાં અાજુબાજુથી સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. 


સોસાયટીના રહીશો બાળકને બહાર કાઢવામાં પ્રયાસ કરવાને બદલે તમાશો બની માનવતાને નેવે મૂકી હતી. ગટર લાઇનમાં કોઇ રહીશ અંદર ન ઉતરતાં મહિલાએ માસુમ બાળકના મામાને જાણ કરતાં તેઓ આવી પહોંચતા આ બાળકને ભારે જહેમત બાદ બહાર કાઢીને તેને તબીબ પાસે લઇ જતાં તબીબે બાળકને મૃત જાહેર કરતાં તેનું પી.એમ. કરાવી પરિવારજનો મૃતદેહને બીલવણીયા ખાતે લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.આ બાળક મોડાસાની બી. કનાઇ અંગ્રેજી મીડીયમ શાળામાં ધો.1માં અભ્યાસ કરતો હતો.જેમનો એકનો એક પુત્ર મોતને ભેટતાં રાઠોડ પરિવારના માથે આભ ફાટ્યું હતું. 

 

હાથરોલ પાસે કોજણ ડેમમાં યુવક પડી ગયાની આશંકા


હિંમતનગર|  પેઢમાલાના સુરેશસિંહ સોલંકી ત્રણેક દિવસ અગાઉ ખેતરમાં ગયા બાદ ઘેર પરત ન આવતા તેમના ભાઇ અને  માતાને ખેતરથી ઘેર જવાના રસ્તા પર હાથરોલ નજીક કોજણ ડેમ પાસે પાણીમાં સુરેશસિંહના ચપ્પલ અને હવા ભરેલી એક ટ્યુબ મળી આવી હતી. જેને પગલે પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા સાથે હિંમતનગર ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવતા બુધવારથી ડેમમાં શોધખોળ શરૂ કરી હતી. બે દિવસથી ગુમ થયેલા યુવકની શોધખોળ કરી રહ્યા છીએ પરંતુ આજે મોડી સાંજ સુધી સફળતા મળી નથી તેમ ફાયરબ્રિગેડના કર્મીએ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...