• Gujarati News
  • Sabarkatha And Aravalli District Waves Hurricanes With Unsesnal Rain

સાબરકાંઠા અને અરવલ્લીમાં વૈશાખી વાયરામાં વાવાઝોડા સાથે માવઠું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર, મોડાસા : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બુધવારે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં પ્રાંતિજ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે મોડાસામાં જીવતો વીજવાયર તૂટતાં નાસભાગ મચી હતી. હિંમતનગર, મોડાસા, શામળાજી, ભિલોડા અને ઇડરમાં જોરદાર વંટોળ ફૂંકાતાં વાતાવરણ ધૂળિયું બની ગયું હતું.
Paragraph Filter
- હિંમતનગર, મોડાસા, ભિલોડા,ઇડર, તલોદમાં વાવાઝોડું : કમાલપુરમાં યોજાયેલા જમણવારમાં રંગમાં ભંગ પડયો
- પ્રાંતિજ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો

બુધવારે સાંજના સમયે પ્રાંતિજ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. જેના કારણે કમાલપુરમાં આશાપુરા માતાજીની પ્રતિષ્ઠા દરમિયાન યોજાયેલા જમણવારમાં રંગમાં ભંગ પડયો હતો. જેના કારણે પ્રતિષ્ઠા બાદ પ્રસાદ લેવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે આયોજકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. જ્યારે તાલુકાના વદરાડ ગામે ભીખાજી સોમાજી મકવાણા તથા અન્ય એક મકાનના પતરા ઉડી ગયા હતા. જોકે કોઇ નુકસાન થયું ન હતું. હિંમતનગર, તલોદ, શામળાજી, ભિલોડા અને ઇડર પંથકમાં વાવાઝોડું ફૂંકાયુ હતું. જોકે, નુકસાનના અહેવાલ નથી.

ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં કોઇ અસરો વર્તાઇ ન હતી. તેમ છતાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને પવન ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. મોડાસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે બુધવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વંટોળ ફૂંકાતાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
બુધવારે મોડાસામાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી સાથે દિવસભર વાતાવરણમાં બાફ વર્તાઇ હતી. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂંકાયેલા ઝડપી પવનથી વંટોળની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં મોડાસાની રામપાર્ક સોસાયટીના સર્કલ નજીક વીજપોલ ઉપરથી જીવંત વીજતાર તૂટી પડતાં સર્જાયેલ તણખાંથી નાસભાગ મચી હતી. જયારે નગરના માલપુર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરી પાસે બે નીલગીરીના ઝાડ તૂટી પડતાં વીજ પુરવઠો ખોરવાયો હતો.