પ્રાંતિજ ધારાસભ્યને રીપીટ કરવા સામે વિરોધ, ઉકળતા ચરૂ જેવી સ્થિતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર:  બુધવારે નવા સરકીટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો માટે પ્રભારી ગોવાભાઇ રબારી, ભાર્ગવભાઇ ઠક્કર અને ચારેય વિધાનસભા દીઠ નીમવામાં આવેલ નિરીક્ષકો સમક્ષ પ્રાંતિજ બેઠક માટે સીટીંગ એમ.એલ.એ. વિરૂધ્ધ મહેન્દ્રસિંહ બારૈયા કુલ 8 દાવેદારો પૈકી 7 દાવેદારોએ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરતા હડકમ્પ મચી જવા પામ્યો હતો અને રજૂઆત કરનારાઓએ ચાલુ ધારાસભ્ય માટે રીપીટ ન કરવા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારતા સેન્સ લેવા આવેલ પ્રદેશના હોદ્દેદારોને સ્થાનિક કોંગ્રેસમાં પ્રવર્તી રહેલ ઉકળતા ચરૂ જેવી સ્થિતિનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો.

વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહેલ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે બુધવારે હિંમતનગરના નવા સરકીટ હાઉસમાં હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડે જણાવ્યુ કે, પ્રભારી અને નિરીક્ષકોએ તમામ દાવેદારોને વન ટુ વન સાંભળ્યા હતા અને ચાર બેઠકના 54 દાવેદારોએ વિધાનસભા મત વિસ્તારની વિગતો આપી પોતાને જીતવાના કારણો રજૂ કર્યા હતા.

હિંમતનગર બેઠક માટે તમામ 24 દાવેદારોએ સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. પરંતુ પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે ચાલુ ધારાસભ્ય વિરૂધ્ધ ગંભીર આક્ષેપો સાથે 7 દાવેદારોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને રીપીટ ન કરવાના કારણો લેખિતમાં રજૂ કર્યા હતા.  તેમના આક્રોશ અનુસાર ચાલુ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ મત વિસ્તારમાં ધારાસભ્ય ગ્રાન્ટના ઉપયોગ અંતર્ગત ભાજપના વ્યકિતઓના સતત સંપર્કમાં રહ્યા છે અને સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોની ઉપેક્ષા કરી છે. 

મત વિસ્તારના ડેલીગેટ, સરપંચો તથા ત્રણ-ત્રણ, ચાર-ચાર દાયકા જૂના કોંગ્રેસી કાર્યકરો પણ ચાલુ ધારાસભ્યને રીપીટ કરવામાં આવશે તો તેઓ કોંગ્રેસથી વિમુખ થઇ જવાની પૂરેપૂરી સંભાવના છે. ધારાસભ્ય સિવાયના તમામ 7 દાવેદારોએ પ્રદેશમાંથી આવેલ પ્રભારી, નિરીક્ષકો અને સ્ક્રૂટીની કમિટી સમક્ષ ખૂલ્લો વિરોધ કરતા હડકમ્પ મચી જવા પામ્યો હતો.

વિકાસના કામો ભાજપ-કોંગ્રેસનો ભેદ નથી કરતુ
પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પ્રજાલક્ષી વિકાસ કામ કરવાના હોય છે તેનો ફાયદો સૌ કોઇને મળે છે વિકાસનું કામ ભાજપ-કોંગ્રેસને ભેદ કરતુ નથી. પાણીના બોરમાંથી તમામને પાણી મળે છે. ગત ચૂંટણીમાં અદના કાર્યકરો અને પ્રજાના વિશ્વાસને કારણે જીત્યો છું સંગઠનને મારામાં વિશ્વાસ છે, પાર્ટી ટીકીટ આપશે તો જીતનું માર્જીન ત્રણ ગણુ હશે, મારા કામ બોલશે તેટલો મને વિશ્વાસ છે. - મહેન્દ્રસિંહ બારૈયા (પ્રાંતિજ, ધારાસભ્ય)
અન્ય સમાચારો પણ છે...