દુનિયા દેખાડનારી માતાને ઘડપણમાં નગરસેવક પુત્રએ દરવાજો દેખાડ્યો!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 70 વર્ષની ઉંમરે વૃદ્ધાએ કોર્ટનાં પગથિયાં ચડવા પડતાં આંતરડી કકળી ઊઠી...
- સગી માતાને હડધૂત કરનારા પુત્રો સામે કોર્ટ ખફા
- મહિને રૂ. 750 ભરણપોષણ ચૂકવવા બંને પુત્રોને આદેશ
ઇડર: ઇડરના શ્રીનગર વિસ્તારમાં રહેતાં એક વિધવા વૃદ્વાને તેમના બે સગા પુત્રોએ હડધૂત કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જેથી અા વૃદ્ધાએ બંને પુત્રો વિરુદ્ધ ઇડર કોર્ટમાં ભરણપોષણ મેળવવા દાદ માગી હતી. જેમાં ન્યાયાધીશે બંને પુત્રોને તેમની માતાને દર મહિને રૂ.750 મળી રૂ.1500 ચૂકવવા આદેશ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ઇડરના શ્રીનગર વિસ્તારમાં રહેતાં નાનીબેન રામાજી આદિવાસી (70)ના પતિનું મૃત્યુ થયા બાદ તેમના પુત્રો પોતાની માતાને હેરાન પરેશાન કરી ખાવાનું આપતા ન હતા. તેમજ પુત્રવધૂઓએ નાનીબેન પાસેથી તેમની ગેરહાજરીમાં સોનાની વીંટી, કડીઓ, કાપ તથા ચાંદીના છડા સહિત અન્ય દાગીના લઇ લીધા હતા. જેથી કંટાળીને નાનીબેન આદિવાસીએ થોડા સમય અગાઉ ઇડરની કોર્ટમાં પોતાના મોટા પુત્ર જયંતિભાઇ રામાભાઇ આદિવાસી અને નારાયણભાઇ રામાભાઇ આદિવાસી વિરુદ્ધ ભરણપોષણ મેળવવા દાદ માગી હતી.
જે અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતાં ન્યાયાધીશે બંને પુત્રોને દર મહિને રૂ.750 મળી રૂ.1500 તેમની માતા નાનીબેનને ભરણપોષણ પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. નોંધપાત્ર છે કે, જયંતિભાઇ આદિવાસી ઇડર નગરપાલિકામાં કોર્પોરેટર છે, જ્યારે નારાયણભાઇ આદિવાસી જીપના માલિક છે.
અન્ય સમાચારો પણ છે...