સાબરકાંઠા જિલ્લામાં 100થી વધુ ગેરકાયદે કતલખાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર:  સાબરકાંઠા જિલ્લામાં 100થી વધુ સ્થળો ઉપર ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે. તમામ બાબતોની જાણ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન થઇ રહ્યા છે. રજીસ્ટ્રેશન અને લાયસન્સ જરૂરી હોવા છતાં કાયદાનું પાલન કરાવાતુ નથી તથા આ અંગે કોઇપણ જાતની માહિતી ન હોવાનો ડોળ કરવામાં આવી રહ્યો છે. 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીનાના કોટડામાં વગર પરવાને પશુઓની કત્લેઆમ ચલાવવાના બૂચડખાના ચાલી રહ્યા છે. પશુઓની કતલ કરવા માટે લાયસન્સ, રજીસ્ટ્રેશન જરૂરી હોવા છતાં ખૂલેઆમ કાયદાનું ઉલ્લંઘન થઇ રહ્યુ છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં 35થી વધુ જગ્યાઓએ પશુઓની કત્લેઆમ કરવામાં આવી રહી છે. ઇડરમાં કતલ કરવામાં આવતા પશુઓને કટીંગ કર્યા બાદ પોશીના, લાંબડીયા, દેલવાડા પંથકમાં પહોંચાડાય છે.રાજસ્થાનની સરહદને અડીને આવેલ કોટડામાં ચાર સ્થળોએ મોટાપાયે પશુઓને હણવાનું કામ ચાલી રહ્યુ છે.
 
હિંમતનગર પાલિકા વિસ્તારમાં માત્ર સાત-આઠ જણાએ લાયસન્સ લીધુ હોવાનું તથા પ્રાંતિજ પાલિકામાં એકપણ લાયસન્સધારક ન હોવાનું જવાબદાર અધિકારી દ્વારા જણાવાઇ રહ્યુ છે. આવી જ સ્થિતિ ઇડર,વડાલી અને ખેડબ્રહ્મા પાલિકા વિસ્તારમાં પ્રવર્તી રહી છે. વેચાણ માટે કેટલીક દુકાનોની નોંધણી થઇ છે તેવુ પાલિકા સૂત્રો સ્વીકારે છે પરંતુ મટન કયાંથી કટીંગ થઇને આવે છે તેની દરકાર લેવાતી નથી.
 
સરકારે પશુ સરંક્ષણ કાયદો બનાવી ભેંસ, પાડા, પાડીની કત્લેઆમ કરવા કાયદેસરતા બક્ષી છે. પરંતુ તેમાં પણ તંત્ર દ્વારા વિશેષ ખૂલોદોર આપવામાં આવી રહ્યો છે. અધિક કલેકટર વી.એલ.પટેલે જણાવ્યુ હતું કે, શહેરી વિસ્તારમાં પાલિકાની અને ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતની જવાબદારી છે, તેમ છતાં કોઇ ફરિયાદ મળશે તો સંલગ્ન કચેરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...