પ્રાંતિજ: વદરાડ શાળામાં બેઠેલા વિદ્યાર્થીને વાંદરાએ બરડામાં બચકાં ભર્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ:  પ્રાંતિજ તાલુકાના વદરાડમાં છેલ્લા એકાદ સપ્તાહથી ઘૂસી આવેલ વાનરોના ઝૂંડમાંના બે કપિરાજોએ આતંક મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 8થી વધુ લોકોને બચકા ભર્યા છે. વન વિભાગને જાણ કરતા વનકર્મીઓની ટુકડી મંગળવારે ગામે આવી હતી. કપિરાજોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે અને હવે ઘરમાંથી નીકળતાં પણ ડરે છે.

વદરાડ ગામમાં છેલ્લા એક સપ્તાહથી વાનરો ઉત્પાત મચાવી રહ્યા છે. સૌથી વધુ મહિલાઓ અને બાળકોને નિશાન બનાવી રહ્યા છે. વાનરોના ઝૂંડમાં સાથે ફરતા બે મહાકાય કપિરાજ ગમે ત્યારે ગામમાં ઘૂસી જાય છે અને ઘૂરકીયા કરતા કોઇ સમજે તે પહેલા જ બચકા ભરી લોકોને ઘાયલ કરી રહ્યા છે.મંગળવારે જયદીપ ઇશ્વરભાઇ નાયક (14) નામનો વિદ્યાર્થી શાળામાં બેઠો હતો ત્યારે કપિરાજે તેની પર હુમલો કર્યો હતો અને બરડામાં બચકા ભર્યા હતા. વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા દોડી આવેલા શિક્ષકોએ વધુ ઇજાથી બચાવી લીધો હતો અને સારવાર અર્થે લઇ ગયા હતા.
 
ગામના સરપંચ સરદારજી કાળાજીએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કે.પી.પટેલે વનકર્મીઓને મોકલ્યા હતા. તેમણે ગ્રામજનોને વાનરોને ફટાકડા ફોડી ભગાડવા સલાહ આપી હતી. વાનરોને પકડવા વન વિભાગ દ્વારા નક્કર પગલા ન લેવાતા ગ્રામજનોમાં રોષ પેદા થયો છે. વાનરોના હુમલામાં બહારથી આવેલા બે રાજસ્થાની મજૂર પણ ઇજાગ્રસ્ત થતાં ગભરાઇ જતા ચાલ્યા ગયા છે.

1 ફોરેસ્ટર, 4 ચોકીદારને ગામમાં તૈનાત કરાયા
^કપિરાજો સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં ગામમાં આવે છે. એક ફોરેસ્ટર અને ચાર ચોકીદારને 24 કલાક માટે મૂકયા છે. કપિરાજોના ઝૂંડમાંથી બંને કપિરાજોને અલગ તારવી શાહીથી નિશાન કરી નેટ વડે તેમને પકડી અન્યત્ર ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે. 
> કે.પી.પટેલ, આરએફઓ
 ઇજાગ્રસ્તોના નામ
 જયેશ ડાહ્યાભાઇ વણકર (25)
 હીનાબેન વિપુલ વણકર (32)
 જયદીપ ઇશ્વરભાઇ વણકર (14)
 દિવાબેન પટેલ (75)
 ચેતનાબેન પટેલ (40)
અન્ય સમાચારો પણ છે...