તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડના વાસણા મોટા ગામના ખેડૂતના હત્યારાને આજીવન કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

મોડાસા-બાયડ: બાયડના વાસણા મોટા ગામમાં વાત્રક નહેરમાંથી પાણી લઇ જવા બાબતે ખેડૂત ઉપર આકડીયા ગામના 7 શખસો તૂટી પડી ધારિયાના ઘા ઝીંકી લાકડીઓ વડે માર મારતાં ખેડૂતનું મોત નિપજ્યું હતું. 7 વર્ષ અગાઉ થયેલા આ ગુનાનો કેસ મોડાસાની પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ વી.વી ગોહિલની કોર્ટમાં બુધવારે ચાલી જતાં મુખ્ય આરોપીને આ જીવન કેદની સજા અને 1 હજારનો દંડ ફટકારી હતી. અન્ય બે આરોપીમાં એકને 3 વર્ષ અને એકને 6 માસની સજા આપી હતી. જ્યારે 4 ને નિર્દોષ છોડાયા હતા.

 

અન્ય એક આરોપીને ત્રણ વર્ષ અને બીજાને છ માસની સજા : ચાર નિર્દોષ

 

બાયડના વાસણા મોટા ગામે ઓક્ટોબર 2009ની રાત્રી દરમિયાન  વાત્રક નહેરમાં નાંખેલી પટેલ ચીમનભાઇની પાઇપ લાઇનમાંથી બાયડના આંકડીયા ગામના લોકો પાણી લઇ જતાં હતા. ખેડૂતો પાઇપ લાઇનમાંથી પાણી લઇ જતા લોકોને અટકાવતાં રાત્રીના સમયે એકસંપ થઇ ગેરકાયદે મંડળી રચી 7 જેટલા શખસો ખેડૂત ઉપર તૂટી પડ્યા હતા. જેમાં અરજનજી બાબરજી બારીયાએ ખેડૂત ચીમનભાઇના માથામાં ધારિયાના ઘા ઝીંક્યા હતા અને ધીરાજી તમજ ભલાજી લાકડીઓ વડે ખેડૂત પર તૂટી પડ્યા હતા. રાત્રીના સમયે થયેલા આ ભયંકર ઝગડામાં અન્ય ચાર શખસો પણ ખેડૂત ઉપર પત્થરમારો કરી શરીરે ગંભીર ઇજા પહોંચતાં ખેડૂતને તાત્કાલીક સારવાર અર્થે અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ શરીરે ગંભીર ઇજા થતાં ખેડૂત ચીમનલાલ પટેલ (ઉ.વ. 55, રહે. વાસણામોટા)નું મોત નિપજ્યું હતું. 

 

બાબરજી બારીયાને આજીવન કેદ


આ ગુનામાં સાત આરોપીઓ વિરૂદ્ધ મારામારી અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસ મોડાસાની પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ વી.વી ગોહિલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ બી.આર.પંચાલે ધારદાર દલીલો કરતાં ન્યાયધીશે આ હત્યા પ્રકરણમાં ગુનાના મુખ્ય આરોપી અરજન બાબરજી બારીયાને આજીવન કેદની સજા ફટકારી હતી. અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતલ.  જ્યારે ભલાજી બાબરજી બારીયાને ત્રણ વર્ષની અને ડાહ્યાજી ગલાજી બારીયાને પણ છ માસની સજા ફટકારાઇ હતી. આ ગુનામાં અન્ય ભલાજી બાબરજી બારીયા, કાળાજી બારીયા, સુખાજી ભલાજી બારીયા, ધીરાજી મોટા દિકરાને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. 

 

અન્ય શખસો પર પણ હુમલો કર્યો હતો


આ બનાવમાં સાત જેટલા આરોપીઓ ઘાતક હથિયાર સાથે ફરિયાદી ઉમેશભાઇ બહેચરભાઇ પટેલ તેમજ રમણભાઇ લાલાભાઇ પટેલ અને હરગોવિંદભાઇ પટેલ ઉપર તૂટી પડ્યા હતા અને તેમના શરીરે ગંભીર ઇજા થતાં બાયડની સંજીવની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. 

 

કયાં આરોપીને  સજા 
-અરજન બારીયા-આજીવન
-ભલાજી બાબરજી બારીયા- 3 વર્ષ
-ડાહ્યાજી ગલાજી બારીયા - 6 માસ 


નિર્દોષ છોડી મુકાયેલા 


-ભલાજી બાબરજી બારીયા
-કાળાજી બારીયા
-સુખાજી ભલાજી બારીયા
-ધીરાજી ગલાજી

 

અન્ય સમાચારો પણ છે...