- હિંમતનગરમાં યોજાયેલા હૂડા હટાવો મહાસંમેલનમાં 11 ગામોનો હૂંકાર
- ભાજપ-કોંગ્રેસના આગેવાનો હૂડાના વિરોધમાં
- અેકમંચ પર સરકારને સદબુદ્ધિ માટે 11 ગામોમાં શાંતિયજ્ઞ યોજાશે
સાબરકાંઠા: હિંમતનગર અને આસપાસના 11 ગામોનો હૂડામાં સમાવેશ કરવા માટે સૂચિત જાહેરનામુ પ્રસિદ્ધ થતાંની સાથે જ ખેતીની જમીન કપાતમાં જતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હૂડા સંઘર્ષ સમિતિના નેજા હેઠળ હૂડા હટાવો આંદોલન શરૂ કર્યુ છે. જે અંતર્ગત રવિવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં યોજાયેલા મહાસંમેલનમાં લોકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે અમારા ભોગે અમારે વિકાસ નથી જોઇતો. જેથી હૂડાનો અમલ રદ કરવો જોઇએ.
મહાસંમેલનમાં બોલતા સંઘર્ષ સમિતિના અગ્રણી અને પૂર્વ સરપંચ જયેશભાઇ પટેલે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, હૂડાના વિકાસ માટે કેન્દ્ર અને રાજય સરકાર અંદાજે રૂ.300 કરોડથી ઓછી સહાય આપવાની છે. જયારે હૂડામાં આવતા ગામોના વિકાસ માટે અમારી જમીન અને અમારા જ પૈસા ખર્ચાવાના છે. જેથી અમારે આવો વિકાસ જોઇતો નથી. હૂડા પાછળ અંદાજે રૂ.3600 કરોડનો ખર્ચ થવાનો છે. પરંતુ તેના કારણે નાના ખેડૂતોની જમીન કપાતમાં જતી રહેશે. જે અમને માન્ય નથી. બીજું કે હિંમતનગરથી વસતીની દ્રષ્ટી મોટા ગણાતા મહેસાણા અને પાલનપુરમાં આવી કોઇ ઓથોરિટી સરકાર દ્વારા રચાઇ નથી, તો હિંમતનગરને શા માટે પસંદ કરાયું છે તે સમજાતું નથી. અગાઉના ધારાસભ્યએ હૂડા અંગે સરકાર સમક્ષ રજૂ કરેલા વિચારોને અમલમાં મુકતાં પહેલા પ્રજાને વિશ્વાસમાં લેવાઇ નથી.
નવા ગામના પૂર્વ સરપંચ નલીનભાઇ પટેલે જણાવ્યું કે, જે જમીન કપાતમાં જનાર છે તે અમારા બાપ-દાદાઓએ અમને વારસામાં આપી છે, આ જમીન કોઇ ધર્માદા નથી. જો સરકારને જમીન જોઇતી હોય તો હિંમતનગર અને આસપાસમાં આવેલ ધર્માદાની જમીન લઇને વિકાસ કરે. જો 11 ગામની મળી હજારો હેકટર જમીન હૂડાના નામે સરકાર લઇ લેશે તો અમારા બાળકો કેવી રીતે જીવી શકશે. જેથી હજુ પણ સરકારે વિચાર કરીને હૂડાનો અમલ રદ કરી દેવો જોઇએ.
મહાસંમેલન દરમિયાન કિસાન સંઘે પણ તેમની બેઠકમાં વિરોધ ઠરાવ પસાર કરી હૂડા રદ કરો આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. મહા સંમેલનમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન પટેલ તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ સહિત 11 ગામની અનેક મહિલાઓ, પુરુષો તથા યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. હૂડાનો અમલ રદ કરાવવા માટે અને સરકારને ભગવાન સદબુધ્ધિ આપે તે તે માટે હૂડા સંઘર્ષ સમિતિ દ્વારા 11 ગામોમાં તબક્કાવાર શાંતિયજ્ઞ યોજવા જાહેર કરાયું છે. જેમાં પ્રથમ યજ્ઞ હડિયોલ ગામે 9મી જુલાઇએ રાત્રે કરાશે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પૂર્વ સાંસદ કહે છે: પ્રજાના ભોગે વિકાસ મને પણ માન્ય નથી...