હોળીના વરતારા મુજબ વર્ષ સારું રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર, મોડાસા: હિંમતનગર સહિત સમગ્ર જિલ્લાભરમાં હોળી-ધુળેટી પર્વને લોકોએ આનંદભેર, કયાંક ડીજેના તાલે તો કયાંક ઢોલ-નગારાના તાલે એકબીજા પર રંગની છોળો ઉડાડી તો કયાંક એકબીજાના ચહેરા પર ગુલાલ-રંગ ઉડાડી તિલક હોળી રમી ઊજવ્યું હતું. હિંમતનગરમાં પણ રાજસ્થાની સમાજ સહિતે પર્વ આનંદભેર માણ્યું હતું. વિજયનગરમાં જોવાયેલા હોળીના વરતારા મુજબ, હોળીનો થમ્બ પૂર્વ દિશામાં પડતાં વર્ષ સારુ રહેશે.

મોડાસા : મોડાસાના કલ્યાણચોક ખાતે શુભમુર્હતમાં શાસ્ત્રોકત વીધી વચ્ચે વિવિધ શણગારોથી સજજ હોળી પ્રગટાવી હતી. આ પ્રસંગે હોળી સમિતિના પ્રમુખ મનોજભાઇ ભટૃ, સોસાયટીના ચેરમેન વિનોદભાઇ શાહ, સેક્રેટરી સંજયભાઇ ભાવસાર અને કાઉન્સીલર કેતનભાઇ ત્રિવેદી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે નગરની રામપાર્ક સોસાયટી, પાંડુરંગ સોસાયટી, સહિત હોળી દર્શન યોજાયા હતા.

શામળાજી :  દિવ્ય ભાસ્કર દ્વારા પાણી બચાવો અંતર્ગત દેશમાં તિલક હોળી અભિયાન ચલાવાયું હતું. જે અંતર્ગત યાત્રાધામ શામળાજીમાં મહિલાઓએ માત્ર તિલક હોળી રમી ધુળેટીના પર્વનો મનભરીને આનંદ માણ્યો હતો.

પોશીના : પોશીના પંથકમાં હોળી-ધુળેટીનું પર્વ નિમિત્તે લોકોએ એકબીજાને રંગ છાંટી ઊજવણી કરી હતી.પોલીસ દ્વારા એસઆરપીની ટીમ તથા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવતાં કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં સોમવારે ધુળેટી નિમિત્તે શહેરના પટેલફળી, બ્રહ્માજી ચોકમાં ડીજેના તાલે યુવાધન મનભરી નાચ્યું હતું. તો કેટલાક લોકોએ ફકત તિલક કરી ધુળેટી ઉજવી હતી. બાળકો પણ લોકોને રંગી હોળીની ગોઠ માગી ખુશ થતા નજરે પડયા હતા.

માલપુર : માલપુર તેમજ સાતરડા ગામે યુવક મંડળ દ્વારા ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માલપુર પોલીસ કર્મીઓએ પણ ધુળેટી પર્વની ઉજવણી કરાઇ હતી. આગીયામાં હોળીના અંગારા પર ચાલ્યા
 
ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામમાં હોળી પર્વની ઊજવણી મહાકાળી માતાજીની પૂજાવિધિ સાથે શરૂ થઇ હતી અને ત્યાર બાદ હોળી પ્રગટાવી તેના ધગધગતા અંગારા પર શ્રદ્ધાળુઓ ચાલ્યા હતા. હોળી પ્રગટાવ્યા બાદ વાઘેલા વંશજોએ એક વાંસ સળગાવી તેને મહાકાળી માતાજી મંદિર પાસે વાવમાં ઠંડો કર્યો હતો. ત્યાર બાદ મહાકાળી માતાજીના જયઘોષ સાથે હોળીના ધગધગતા અંગારા પર નાના બાળકોથી માંડી સૌ કોઇ ચાલ્યા હતા. પાંડવકાળથી ચાલી આવતી આ પરંપરામાં અંગારા પર ચાલવા છતાં કોઇ દાઝતુ નથી. હોળી પર્વની ઊજવણી માટે ટ્રસ્ટના પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, ટ્રસ્ટી જનકસિંહ વાઘેલા, ડાહ્યાભાઇ પટેલે જહેમત ઉઠાવી હતી.

કલોલકંપામાં વર્ષનો વરતારો કઢાયો
ખેડબ્રહ્મા તાલુકાના કલોલકંપામાં હોળી પ્રગટાવવાની જગ્યાએ એક ખાડો કરી તેમાં ચોમાસાના ચાર માસ મુજબ ચાર માટીના ઢેફા મુકવામાં આવે છે તેના પર પાણીનો ઘડો અને ખીચડી મૂકી હોળી પ્રગટાવવામાં આવી હતી. બીજા દિવસે ખાડામાંથી માટીના ઢેફા જે પ્રમાણે પલળ્યા હોય તે મુજબ વરતારો કરાયો હતો.
 
વિજયનગરમાં પણ વરતારો જોવાયો
વિજયનગરમાં આ વખતે હોળીનો થમ્બ પૂર્વ દિશાએ પડતાં આવનારૂ વર્ષ સારું રહેવાનો વરતારો  જાણકારોએ જણાવ્યો હતો. વિજયનગરમાં વાઘળીયા વડલા હોળી ચોક ખાતે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા હોલિકાનું પૂજન થયા બાદ ભટેલા મહુવાના ખેતરા ગામના ગરાસિયા અને આદિવાસી સમાજના આગેવાન યુવાનો દ્વારા હોળી પ્રગટાવાઇ હતી. જેમાં હોળીનો થમ્બ આ વર્ષે પૂર્વ દિશા તરફ પડતાં આવનારું વર્ષ સારૂ જશે તેમ શાસ્ત્રી હેમંતભાઇ વ્યાસે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...