તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગર ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં 'સુરતવાળી' થવાના ભય, તંત્રનો ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગર શહેરમાં ગુરૂવારે માર્કેટયાર્ડ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના આયોજનમાં તંત્રમાં પ્રવર્તી રહેલ ફફડાટનો સ્પષ્ટ અનુભવ થયો હતો. ઠેર ઠેર પોલીસ બેરીકેટ અને ખુરશીઓને તારથી બાંધી દેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓ અને ધારાસભ્યએ પ્રવેશ ન મળતાં ગેટ ઉપર જ કાળા વાવટા ફરકાવી અટકાયત વ્હોરી વિરોધ વ્યકત કર્યો હતો.
ઠેર ઠેર પોલીસ બેરીકેટ અને મેઇન ગેટ બંધ રાખવામાં આવ્યો
આ અંગે મળતી વિગત અનુસાર ગુરૂવારે હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર તાલુકાના પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાની ઉપસ્થિતિમાં 1864 લાભાર્થીઓને રૂા.335.28 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શનો ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર પોલીસ બેરીકેટ અને મેઇન ગેટ બંધ રાખવામાં આવ્યો હતો. પ્રાંતિજ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ, રણજીતસિંહ સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરોએ કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને ગેટ ઉપર જ અટકાવી દેતાં કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કરી અટકાયત વ્હોરી વિરોધ વ્યકત કર્યો હતો.
ગરીબ મેળા જેવા નાટક કરી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે
મહેન્દ્રસિંહ બારૈયાએ રોષ ઠાલવતા જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સહાય વિવિધ યોજનાઓમાં ઘણા સમય અગાઉ જાહેર થઇ ચૂકેલ હોય છે. પરંતુ લાભાર્થીઓને સમયસર સહાય ચૂકવવાને બદલે મેળાઓની રાહ જોવાય છે. તેમણે ઉમેર્યુ હતું કે વર્ષ 2010 માં 30 લાભાર્થીઓને મફત પ્લોટના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તે પૈકી માત્ર નવેક જણાને સહાય મળી છે. ગરીબ મેળા જેવા નાટક કરી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. હિંમતનગર ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં પાટીદારો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થશે તેવુ કળી ગયેલ તંત્ર દ્વારા ખુરશીઓને પણ તારથી બાંધી દેવામાં આવી હતી.
વહીવટી તંત્રએ પાસને સંયમ જાળવી રાખવા મજબૂર કર્યુ
હિંમતનગર ખાતે યોજાનાર પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં પાસ દ્વારા સુરતવાળી કરવામાં આવશે તેવો ફફડાટ જોવા મળ્યો હતો. ઠેર ઠેર બેરીકેટ પોલીસની હાજરી અને ખુરશીઓને તાર વડે તાણી બાંધવામાં આવી હતી. 2જી ઓકટોમ્બરે પાસ દ્વારા આયોજીત મહિલા સંમેલનની મંજૂરીને વહીવટી તંત્રએ ગુરૂવાર સુધી અધ્ધરતાલ બનાવી દઇ પાસને સંયમ જાળવવા મજબૂર કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...