તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં મગફળીનું 4.25 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત બાદ 7મી નવેમ્બરથી હિંમતનગરના ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતો મગફળી વેચી રહ્યા છે, પરંતુ છેલ્લા 15 દિવસથી ખેડૂતોનું પેમેન્ટ નહીં થતાં રૂ.સવા ચાર કરોડથી વધુની રકમ અટવાઇ છે. જેના કારણે ખેડૂતો નાણાં માટે ધક્કા ખાઇ રહ્યા છે. હિંમતનગર સહકારી જીનના મેનેજર શૈલેષભાઇ પટેલે જણાવ્યું કે, 14 મી નવેમ્બરથી પેમેન્ટ બાકી છે અને આ અંગે રજૂઆત કરાઇ છે.

ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોબાળો મચ્યા બાદ રાજય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ ગુજકોટ દ્વારા હિંમતનગર ખાતે રૂ.844ના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી હતી. ત્યાર બાદ 14મી નવેમ્બરથી સાબરડેરીને નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી અને સાબરડેરીએ જિલ્લા સંઘની નિમણૂંક કરી હતી. બંનેને અડધો- અડધો ટકો કમિશન મળે છે.

ગુજકોટે સહકારી જીનના માધ્યમથી 12 નવેમ્બર સુધી 21240 બોરી ખરીદી તેનું પેમેન્ટ કરી દીધું હતું. પરંતુ તે પછી 14 નવેમ્બરથી અત્યાર સુધીમાં 30 હજારથી વધુ બોરીની ખરીદી કરાઇ છે. જેનું અંદાજે સવા ચાર કરોડ રૂપિયા જેટલું પેમેન્ટ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા થયું નથી. જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને હિંમતનગરના ખરીદ કેન્દ્રો ઉપર વ્યવસ્થાના નામે મીંડુ છે. ગોડાઉનની વ્યવસ્થા કરાઇ નથી. બારદાનની વ્યવસ્થા નથી. ખરીદ કેન્દ્રો ઉપર સ્ટોકનો ભરાવો થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં સહકારી જીનના માધ્યમથી ખરીદી થઇ રહી છે. નોડલ એજન્સી તરીકે સાબર ડેરીને નીમાઇ છે. ખેડૂતો પેમેન્ટ માટે ધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ કોઇ સાંભળનાર નથી.

હિંમતનગર યાર્ડમાં ખુલ્લા બજારમાં 15 દિવસમાં રૂ. 25 હજાર બોરી આવક થઇ
હિંમતનગર માર્કેટયાર્ડ 14મી નવેમ્બરથી ફરીથી શરૂ થતાં છેલ્લા પંદર દિવસ દરમિયાન 25 હજાર બોરી મગફળીની આવક થઇ છે અને ખેડૂતોને ચેક તથા રોકડથી પેમેન્ટ કરાયું છે. અંદાજે સાડા ત્રણ કરોડથી વધુની ખુલ્લા બજારમાં ખરીદી થઇ હતી.

બે-ત્રણ દિવસમાં ચૂકવણું શરૂ થઇ જશે
સાબરડેરીના આર.એસ.પટેલનો સંપર્ક કરતાં જણાવ્યું કે, બે-ત્રણ દિવસમાં સરકારમાંથી પૈસા મળ્યા બાદ ખેડૂતોનું ચૂકવણું શરૂ કરાશે.
અન્ય સમાચારો પણ છે...