હિમતનગર/ પ્રાંતિજ: ચાર-ચાર બંગડી ફેમસ કિંજલ દવેએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા અને નાની ઉંમરમાં સેલીબ્રીટી બની જતાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી અમદાવાદને બદલે પ્રાંતિજની એમ.સી.દેસાઇ કોલેજમાં સામાન્ય પ્રવાહમાં એડમીશન લીધું છે અને જીવનમાં ભણતરનુ કેટલું મહત્વ છે તેનો સંદેશ આપ્યો છે.
કિંજલ દવેએ અભ્યાસ પૂરો કર્યા પહેલા જ પોતાની આવક પાંચ આંકડા સુધી પહોંચાડી દીધી છે. પરંતુ અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. કોમર્સના વિષયો સાથે ધો-12 પાસ કર્યા પછી તેણે ગ્રેજ્યુએશન કરવા નક્કી કરી લીધું છે. પોતે ગાયકીની સાથે સાથે વ્યસ્ત સમયમાં પણ ભણતર માટે સમય કાઢવા પ્રયત્નશીલ છે. કિંજલ દવે વાણિજ્ય પ્રવાહની વિદ્યાર્થીની હતી. પરંતુ તેણે અમદાવાદથી દૂર પ્રાંતિજ ખાતે એમ.સી.દેસાઇ કોલેજમાં સામાન્ય પ્રવાહમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે એડમીશન લીધું છે.
નાની ઉંમરમાં મળી ગયેલ સ્ટારડમને પગલે અમદાવાદમાં ચાહકોને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેના એડમીશન વેળા પ્રાંતિજ ખાતે પણ ભીડ ઉમટતા કોલેજ સત્તાવાળાઓની મદદથી એડમીશન પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવી હતી. કિંજલ દવેનાં માનવા મુજબ તમે સફળતાના ગમે તેટલા શિખરો સર કરો પરંતુ જીવનમાં અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમાંયે દીકરીઓએ ભણવામાં સ્હેજેય પાછી પાની કરવી જોઇએ નહી. કિંજલ દવેના એડમીશનને પગલે કોલેજ સત્તાવાળાઓમાં પણ આનંદ સમાતો નથી.
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...