હિંમતગનરમાં 30 મિનિટમાં જ બંધ બજાર ખુલી ગયા

બજારો બંધ કરાવવા નિકળેલા કોંગ્રેસી કાર્યકરોઅે વેપારીઓને કહ્યું, અડધો કલાક બંધ રાખજો,પછી ખોલી નાખજો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:35 AM
Himatnagar - હિંમતગનરમાં 30 મિનિટમાં જ બંધ બજાર ખુલી ગયા
મોડાસા/ હિંમતનગર | કોંગ્રેસ અને અન્ય વિરોધપક્ષો દ્વારા પેટ્રોલ -ડીઝલના ભાવમાં અતિશય વધારો થવાને પગલે ભારત બંધનું એલાન સોમવારે આપવામાં આવ્યુ હતું. જેના અનુસંધાને સોમવારે સવારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં બજાર બંધ કરાવવા કોંગ્રેસી કાર્યકરો નીકળી ગયા હતી. હિંમતનગરમાં કાર્યકરોએ અડધો કલાક બંધ રાખજો પછી ખોલી નાખજોની કાકલૂદી કરતા જોવા મળ્યા હતા. જે બાદ બજાર ખુલ્લા જોવા મળ્યા જ્યારે અન્ય સ્થળે મિશ્રપ્રતિસાદ રહ્યો હતો. જ્યારે મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને ભિલોડામા બંધને સમર્થન મળતાં બજારો બંધ હાલતમાં રહ્યા હતાં. ભિલોડામાં કાર્યકરો રસ્તા પર ટાયરો સળગાવી બસની હવા કાઢી નાખી હતી. જ્યારે બાયડમાં ધારાસભ્ય સાથે નિકળેલા કાર્યકરો અને પલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. માલપુરમાં કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા ચક્કાજામનો પ્રયાસ કર્યો હતોે . મોડાસામાં પણ કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી.

અરવલ્લીમાં 50થી વધુ, સાબરકાંઠામાંથી 180 કાર્યકરો ડીટેઇન : મોડાસા,બાયડ,ધનસુરા,માલપુર,ભિલોડા, મેઘરજ બજાર બંધ રહ્યા

હિંમતનગર| પેટ્રોલ -ડીઝલના ભાવમાં અતિશય વધારો થવાને પગલે કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. સોમવારે યુથ કોંગ્રેસ દ્વારા હિંમતનગર શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા સાયન્સ કોલેજ બંધ કરાવવામાં આવી હતી. કેટલીક ખાનગી શાળાઓ વહેલી સવારથી જ સંચાલકોએ બંધ રાખી હતી. શહેરના હાજીપુરા, જૂનાબજાર, ટાવર રોડ, સંઘરોડ, પાંચબત્તી વિસ્તારના વેપારીઓ સવારે નવ વાગ્યાથી દૂકાનો બંધ રાખવી કે ખોલવીની અવઢવમાં હતા. કોંગ્રેસી કાર્યકરો બજાર બંધ કરાવવા નીકળ્યા ત્યારે ટાવર ચોક બજારમાં કાકલૂદી કરતા નજરે પડ્યા હતા. ખાલી અડધો કલાક બંધ રાખજો પછી ખોલી નાખજોની વિનવણી કરતા હતા. બંધના એલાનને પણ ફોટોસેશન કરાવવા પૂરતુ મજાક બનાવી દીધુ હતું. દરમિયાનમાં પોલીસે 8 મહિલા સહિત 53 જેટલા કોંગ્રેસી કાર્યકરોની ડીટેઇન કર્યા હતા. અન્ય કાર્યકરોએ ખેડતસીયા રોડ પર રીલાયન્સ મોલ સહિતની દૂકાનો બંધ કરાવી હતી. મહાવીનગર, સહકારીજીન વિસ્તાર, મોતીપુરામાં બંધની અસર જોવા મળી ન હતી અન્ય બજારો પણ અગિયાર વાગ્યાથી ધમધમતા થઇ ગયા હતા.

મોડાસા | મોડાસામાં આજુબાજુના તાલુકાઓના, ગામડાઓના અને શહેરના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ શાળાઓ તેમજ સરકારી સંસ્થાઓ બંધ કરાવી દીધી હતી. મોડાસા ચાર રસ્તા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારની આગેવાનીમાં ચાર રસ્તા ઉપર આવેલા પેટ્રોલ પંપને બંધ કરી તાળાં બંધી કરી દેવામાં આવી હતી. કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં બંધના એલાનને સફળ બનાવવા માટે બસ સ્ટેશન રોડ તેમજ શામળાજી રોડ અને માલપુર રોડ પર નીકળતાં વેપારીઓએ ટપોટપ દુકાનોના શટર પાડીને બંધને સમર્થન આપ્યું હતું. જેના કારણે મોડાસામાં બજારો બંધ રહ્યા હતા. 50 કાર્યકરોની અકટકાયત કરાઇ હતી.

પોલીસ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને નહીં દુકાનો બંધ કરવા આવેલા કોંગી કાર્યકરને ઉચકીને લઇ જઇ રહી છે

આ તસ્વીર બાયડના સ્ટેશન રોડ પરની છે. બંધના એલાનના સોમવારે સવારે કોંગ્રેસી કાર્યકરો દુકાનનો બંધ કરાવા નિકળ્યા હતા. વેપારીઓ અને કોંગ્રીઓ વચ્ચે દુકાનો બંધ કરવાને લઇ ચકમક ઝરી હતી. પહેલાથી જ નક્કી કરેલી સ્ક્રીપ્ટ મુજબ પોલીસ તૈયાર જ હતી. કોંગી કાર્યકરોને પોલીસે હસતા મોઢેથી એ રીતે ઉચકીને લઇ ગઇ જેમ અકસ્માતમાં ઘવાયેલા કોઇ વ્યક્તિને લઇ જતી હોય.

ઉત્તર ગુજરાતમાં ક્યા કેવી સ્થિતિ રહી

હિંમતનગરમાં 53, પ્રાંતિજ-તલોદમાં 30-30 ડીટેઇન

ઇડર 26, ખેડબ્રહ્મા-વડાલી 16-16 વિજયનગરમાં 11 ડીટેઇન

થરા, ધાનેરા અને લાખણી સજ્જડ બંધ રહ્યું

પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જબરજસ્તી બંધ કરાવાતા વેપારીએ અને કાર્યકર્તાઓ વચ્ચે તું-તું,મેં-મેં

ડીસામાં શાળા, કોલેજો બંધ કરાવી,40 કાર્યકર્તાઓની અટક

દાંતામાં રસ્તા ઉપર ટાયરો બાળી રસ્તો બ્લોક કરી દીધો

મહેસાણા વિભાગના 11 એસટી ડેપોમાં દિવસ દરમિયાન એસટીની 1200 ટ્રીપો રદ કરાઇ હતી

વિસનગરમાં બંધ કરાવવા નીકળેલા 16 કાર્યકરોની અટકાયત

બહુચરાજીમાં કાર્યકરોએ બજાર બંધ કરાવી હાઇવે ચક્કાજામ

પાટણ સજ્જડ બંધ રહ્યું, 140 કોંગ્રી કાર્યકરોની અટકાયત કરાઇ

અરવલ્લીમાં 250થી વધુ બસના રૂટ બંધ કરાયા

મોડાસા એસ.ટી. સત્તાવાળાઓ અને હિંમતનગર વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં બંધનાં એલાનના પગલે એસ.ટી.બસોને નુકશાન થાય નહીં તે માટે ગ્રામ્ય માર્ગ અને લાંબારૂટની એસ.ટી.બસોને સવારથી જ બંધ કરાતાં 250 કરતાં વધુ ગામડાંઓનાં એસ.ટી.રૂટો બંધ કરાતાં અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. જોકે,ભારત બંધના એલાન દરમિયાન એસ.ટી.ને રૂપિયા બે લાખ ઉપરાંતનો ઘાટો વાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. એસ.ટી.બસને બંધના એલાન દરમિયાન કોઇ નુકસાની ન થતાં એસ.ટી. સત્તાવાળાઓએ રાહતનો દમ લીધો હતો.

X
Himatnagar - હિંમતગનરમાં 30 મિનિટમાં જ બંધ બજાર ખુલી ગયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App