પત્નીના અવસાન બાદ 13 વર્ષ સુધી ~ 12.78 લાખનું પેન્શન ખાનાર પતિ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના અારોગ્ય વિભાગમાં ફીમેલ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતી મહિલાનુ અવસાન થયા બાદ પતિઅે પુન:લગ્ન કરી લીધા હોવા છતાં 13 વર્ષ સુધી પેન્શન લીધા બાદ પુન:લગ્ન કર્યા ન હોવાના જવાબ, દાખલા રજૂ કર્યા બાદ મતદારયાદી ચકાસણીમાં પોલ ખુલતાં ખોટી રીતે મેળવેલ પેન્શનના કુલ રૂ.12,78,151 ભરી દીધા બાદ તિજોરી કચેરી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લા અારોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કુંદનબેન જયશંકરભાઇ મિસ્ત્રીનુ તા. 20/08/04 ના રોજ અવસાન થતાં તેમના પતિ અશોકકુમાર કાંતિલાલ મીસ્ત્રીને તા.21/08/04 થી પેન્શન શરૂ થયુ હતું. ત્યારબાદ તા. 17-11-18 ના રોજ દિલીપકુમાર રમેશચંદ્ર મિસ્ત્રીઅે અરજી કરી હતી કે તા.30/04/06 ના રોજ અશોકકુમાર કાંતિલાલ મિસ્ત્રીઅે મૃદુલાબેન વ્યાસ સાથે પુન:લગ્ન કરી લીધા હોવા છતાં ગેરકાયદે રીતે પેન્શન લઇ રહ્યા છે. જેના અનુસંધાને તિજોરી કચેરીઅે તપાસ હાથ ધરતાં પહેલા જવાબ રજૂ ન કર્યા બાદ તા.12/02/19 ના પત્રથી જવાબ રજૂ કર્યો હતો કે તેમણે પુન:લગ્ન કર્યા નથી અને પુન:લગ્ન કર્યા ન હોવા અંગે નવા ગૃપ ગ્રામ પંચાયતના તલાટીનો દાખલો પણ રજૂ કર્યો હતો. તદ્દપરાંત પ્રતિષ્ઠિત વ્યક્તિનો પણ દાખલો રજૂ કર્યો હતો. જેથી તા. 28/03/19 ના રોજ દલીપકુમાર રમેશચંદ્ર મીસ્ત્રીઅે અશોકકુમાર કાંતીલાલ મિસ્ત્રીના રેશનીંગકાર્ડ, ચૂંટણીકાર્ડ, બેંક પાસબુકની નકલો રજૂ કરતા તિજોરી કચેરીઅે નાયબ કલેક્ટરનો અભિપ્રાય માંગતા નાયબ કલેક્ટરે તા.04/07/19 ના પત્રથી જણાવ્યુ હતુ કે મતદાર યાદીની ચકાસણી કરતાં પુન:લગ્ન કર્યાનુ જણાઇ અાવે છે.જેથી અશોકકુમાર મિસ્ત્રીને તા. 01/05/06 થી તા. 30/06/19 સુધીનુ પેન્શન પરત જમા કરાવવા નોટિસ અાપતા અશોકકુમાર મિસ્ત્રીઅે તા. 09/08/19 ના રોજ રૂ.4 લાખ, તા. 13/09/19 નારોજ રૂ. 3 લાખ, તા.30/10/19 ના રોજ રૂ.3 લાખ અને તા. 05/12/19 ના રોજ રૂ.2,78,151 મળી કુલ રૂ.12,78,151 પરત જમા કરાવ્યા હતા. વડી કચેરીઅે છેતરપીંડીના ગુનામાં ફરિયાદ દાખલ કરાવવા અાદેશ કરતા અધિક તિજોરી અધિકારી ઉપેન્દ્રકુમાર વીરાભાઇ સુતરિયાઅે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...