divyabhaskar.com
Oct 11, 2018, 02:29 PM ISTહિંમતનગરઃ 28 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી પર પરપ્રાંતીય યુવકે દુષ્કર્મ કર્યા બાદ રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલાઓ થઈ રહ્યા છે. જેને કારણે દેશભરમાં ગુજરાત અને ભાજપની છબિ ખરડાઈ રહી છે. પરપ્રાંતીયો પરના હુમલાઓને લઈ ભાજપ અને કોંગ્રેસ પણ સામે સામે આવી ગયા છે. આ ઘટનાક્રમ વચ્ચે હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો એક વીડિયો સામે આવ્યો છે. 1 ઓક્ટોબરના આ વીડિયોમાં ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, કહ્યું કે, તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવું છું અને તેમાં કેટલા સ્થાનિક લોકો છે અને કેટલા પરપ્રાંતીયો છે. પરપ્રાંતીય હશે તો હું જાહેરમાં જવાબદારી લઉં છું, ઢુંઢર ગામ અને આસપાસના 50 ગામના લોકો અહીં હાજર છે. આ 50 ગામના લોકોની હાજરીમાં કહું છું કે, 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો જે કંઈપણ કરવું પડશે જો આંદોલન કરવું પડશે તો કરીશું.
(નારાજગીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના 'રાજધર્મ' મુદ્દે ગુજરાતમાં ફરી એકવાર 2002નું પુનરાવર્તન?)
ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરના રોજ દુષ્કર્મની ઘટના બન્યા બાદ ધારાસભ્યએ 1 ઓક્ટોબરના રોજ જાહેરમાં આ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ પરપ્રાંતીયો પર સતત હુમલાઓ વધી રહ્યા છે.
રૂપાણીને ગણાવ્યા નાયબ મુખ્યમંત્રી
માત્ર એટલું જ નહીં, ધારાસભ્યને નાયબ મુખ્યમંત્રીનું નામ પણ આવડતું નથી. તેણે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી તરીકે રૂપાણીનું નામ લઈ ભાંગરો વાટ્યો હતો.
ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિક લોકો હોવા જોઇએઃ રાજેન્દ્રસિંહ ચાવડા
રાજેન્દ્રસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, "આ માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે અને બીજી વાત યુવાનોની જે હતી એ કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિયો લોકો છે. પરંતુ વિજયભાઇએ જાહેર કર્યું કે, ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિક લોકો હોવા જોઇએ અને જો નહીં હોય તો નહીં ચલાવી લેવાઈ, હું તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવીશ અને જો 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું લો એન્ડ ઓર્ડરની સાથે આંદોલન કરવું પડશે તો હું કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. પરંતુ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે નહીં ચલાવી લઇએ."
રાજેન્દ્રસિંહ છે કરોડપતિ ધારાસભ્ય
રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભા 2017 ચૂંટણી દરમિયાન સોગંદનામામાં દર્શાવેલી વિગતો મુજબ તેમની આવક અંદાજે રૂ.1.37 કરોડથી વધુ તથા ૩૦ તોલાથી વધુ સોનું અને અનેક જગ્યાએ જમીન તથા વેપાર કરતા હોવાને કારણે ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. રાજેન્દ્રસિંહ ચાવડા તેમની પત્ની અને પરિવારના સભ્યોના નામે હિંમતનગર તાલુકાના નવા, બળવંતપુરા, હડિયોલ, કાંકણોલ, હાપા અને અમદાવાદ જિલ્લામાં હેબતપુરામાં 25 હેક્ટરથી વધુ કૃષિ વિષયક જમીન ધરાવે છે તથા વેજલપુરમાં અને હિંમતનગરમાં બિનખેતી પ્લોટ મકાન ફ્લેટ ધરાવે છે.